શરીરમાં હાડકાં બનાવવા માટે જરૂરી પોષક તત્ત્વોમાં કેલ્શિયમ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રોયલ ઓસ્ટિયોપોરોસિસ સોસાયટી (ROS)ના જણાવ્યા મુજબ, ‘શરીરમાં એક કિલોગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે અને તેમાંથી 99 ટકા વ્યક્તિના હાડકાંમાં હોય છે.’ સરકારની સલાહ છે કે, વયસ્ક ઉંમરના લોકોએ દરરોજ 700 મિલિગ્રામ કેલ્શિયમ મેળવવું જોઈએ, જોકે ROS કહે છે કે, હાડકાંને મજબૂત બનાવવા માટે દરરોજ 1,000 મિલિગ્રામ જેટલું કેલ્શિયમ મેળવવાથી ફાયદો થઈ શકે છે. રજિસ્ટર્ડ ન્યુટ્રિશનિસ્ટ રીએન્નન લેમ્બર્ટ કહે છે કે, ‘જેમ ઉંમર વધતી જાય છે, તેમ હાડકાંની મજબૂતી ઘટે છે, જેના કારણે ફ્રેક્ચર અને સામાન્ય નબળાઈનું જોખમ વધારે રહે છે.’
લેમ્બર્ટ વધુમાં કહે છે કે, ‘કેલ્શિયમ એક એવું ખનિજ છે જેની આપણને વિટામિન ડી સાથે ખરેખર આહારમાં જરૂર રહે છે, તે શરીરને કેલ્શિયમ શોષવામાં અને તેનું સંરક્ષણ કરવામાં મદદ કરે છે. કેલ્શિયમ માટે આહાર સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે, વિવિધ અભ્યાસના તારણ સૂચવે છે કે, જો વધારે પ્રમાણમાં કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ આપવામાં આવે તો કેટલાક લોકોમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગનું જોખમ વધી શકે છે. કેલ્શિયમ સપ્લિમેન્ટ ફક્ત ત્યારે જ લેવાનું કહેવાય છે જ્યારે તમને આહારમાંથી તેનું પૂરતું પોષણ ન મળતું હોય, એ મેળવવું તમારા માટે મુશ્કેલ નથી.’ લેમ્બર્ટ કહે છે કે, ‘ કેલ્શિયમના સારા સ્ત્રોતોમાં ચીઝ, ડેરી ઉત્પાદનો, ઈંડા, પાલક, કોબિજ, તેલયુક્ત માછલી, સુકો મેવો અને જુદા જુદા કઠોળનો સમાવેશ થાય છે.’ ROS પાસે આહારની પસંદગી કરવા માટે એક સરળ માર્ગદર્શિકા છે, જ્યારે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ પાસે ઓનલાઈન કેલ્શિયમ કેલ્ક્યુલેટર છે.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરવા માટે ડેરી પ્રોડક્ટમાં રહેલું કેલ્શિયમ અન્ય પોષક તત્વો સાથે કામ કરે છે. લેમ્બર્ટ કહે છે કે, ‘યોગર્ટ અને દૂધ મેગ્નેશિયમ અને પોટેશિયમની સાથે કેલ્શિયમ પણ પૂરું પાડે છે, જે બ્લડ પ્રેશર નિયંત્રણ માટે મહત્વપૂર્ણ છે.’ ઇન્ટરનેશનલ ડેરી જર્નલમાં 2021ના એક અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ મેઈન અને યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે, દરરોજ યોગર્ટ આરોગવાથી હાઈપરટેન્શન ધરાવતા લોકોમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. એક સંશોધનમાં જણાયું હતું કે, ‘યોગર્ટમાં રહેલા બેક્ટેરિયા બ્લડ પ્રેશર ઘટાડતા પ્રોટીનના સ્ત્રાવને વધારે છે. સંશોધકો કહે છે કે, હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે, દર અઠવાડિયે થોડા પ્રમાણમાં પણ યોગર્ટ આરોગવાથી બ્લડ પ્રેશર ઘટે છે. જે લોકો દરરોજ તેનું સેવન કરે છે તેમનામાં તેની અસરો વધુ સ્પષ્ટ જોવા મળી હતી.’
કેન્સર રીસર્ચ યુકેની આર્થિક મદદથી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે થયેલા અડધા મિલિયનથી વધુ મહિલાઓ પરના તાજેતરના સંશોધનમાં જણાયું છે કે, દરરોજ 300 મિલિગ્રામ વધારાનું કેલ્શિયમ (એક મોટા ગ્લાસ દૂધ જેટલું) આંતરડાના કેન્સરનું જોખમ 17 ટકા ઘટાડવામાં મદદ કરી શકે છે. આ જ ફાયદા કેલ્શિયમના અન્ય ડેરી અને અન્ય આહાર માટે પણ હતા, ચીઝના 40 ગ્રામ ટુકડામાં, ચીઝ ઓમલેટ, દૂધમાંથી બનાવેલ પૉરિજ અને સુકોમેવો અને બીજ અથવા એકદમ લીલા પાંદડાવાળા શાકભાજીના બે સર્વિંગમાં જેમાં 300 મિલિગ્રામ જેટલું કેલ્શિયમ જોવા મળ્યું હતું.
આ અભ્યાસના મુખ્ય સંશોધક ન્યુટ્રિશનલ એપિડેમિયોલોજિસ્ટ ડૉ. કેરેન પેપિયરના જણાવ્યા મુજબ, ‘કેલ્શિયમ પિત્ત એસિડ અને ફ્રી ફેટી એસિડ સાથે જોડાઈને આંતરડાના કેન્સર સામે રક્ષણ આપી શકે છે, જેનાથી એક પ્રકારનો હાનિ ન કરે તેવો ‘સાબુ’ બને છે, જે આંતરડાના આવરણને નુકસાન કરતું અટકાવે છે.’ આ પ્રક્રિયા ‘સ્પ્રિંગ ક્લીન’ તરીકે કાર્ય કરે છે, તે પિત્ત અને ફેટી એસિડને દૂર કરે છે જેના કારણે તેનાથી નુકસાન થવાની સંભાવના ઓછી હોય છે.
