ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠક માટે રશિયાના પ્રવાસે છે. શુક્રવારે, 4 સપ્ટેમ્બરે તેમની મુલાકાત ચીનના સંરક્ષણ મંત્રી વાઈ ફેંગ સાથે થઈ હતી. આ મીટિંગ માટે ચીની સંરક્ષણ મંત્રીએ જ વિનંતી કરી હતી.  મે મહિનાથી ચાલી રહેલા ભારત-ચીન સંઘર્ષ પછી બન્ને દેશના નેતાઓ વચ્ચે આ પ્રથમ ઊચ્ચ કક્ષાની મીટિંગ હતી.
એ દરમિયાન રાજનાથ સિંહે ચીને પીછેહઠ કરવી જ પડશે એવો સંદેશો ભારપૂર્વક ચીનને આપ્યો હતો. મીટિંગ દરમિયાન રાજનાથ સિંહના આક્રમક હાવભાવ ધરાવતી તસવીરો સામે આવી હતી. સોશિયલ મીડિયામાં આ તસવીરો ચર્ચાસ્પદ બની હતી અને ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહેવા બદલ રાજનાથ સિંહની પ્રસંશા થઈ હતી.