ગુજરાતમાં પાંચ દિવસ સુધી હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારે સતત બીજા દિવસે કુલ 104 તાલુકામાં દોઢ ઇંચ સુધીનો કમોસમી વરસાદ પડ્યો હતો. વાવાઝોડા અને આંધી સાથે આવેલા વરસાદથી ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતાં અને 16 ઘાયલ થયા હતા. રાજ્યસભરમાં 26 પશુઓના મોતના પણ અહેવાલ મળ્યાં હતા. રાજ્યના અનેક જિલ્લાઓમાં પવના કારણે ઠેરઠેર વૃક્ષો જમીનદોસ્ત થયાં હતાં અને રસ્તાઓ બંધ થયા હતાં.
વીજળી પડવાથી, ઝાડ પડવાથી કે મકાન ધરાશાયી થવા જેવી ઘટનામાં આ લોકોના મોત થયા હતા. ખેડા જિલ્લામાં સૌથી વધું 4, વડોદરા શહેરમાં 3, અરવલ્લી અને દાહોદમાં 2-2, અમદાવાદના વિરમગામ અને દસક્રોઇમાં 1-1, અને આણંદમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
સોમવાર, 5મેની સાંજના સમયે વાવઝોડું ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થઇ હતી. લગ્નની સિઝનના કારણે કેટલાક સ્થળો પર મંડપ પણ પડી ગયાં હતાં.
સોમવારે સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સોમવારે 104 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. કેટલાક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે માવઠાંના અહેવાલો મળ્યાં હતાં. ગાંધીનગરના માણસામાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ખેડાના નડિયાદ-કપડવંજ-વસો, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, આણંદના તારાપુર, બોટાદના બરવાળા, ખેડાના મહેમદાબાદ, અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કરા પણ પડયા હતાં જ્યારે વડોદરામાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરીને જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. 7 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. IMDના જણાવ્યા મુજબ મુજબ ગુજરાતના દરિયાકાંઠાને અડીને આવેલા ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં ૫૦-૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઊંચા મોજા ઉછળી શકે છે.
