યુનાઇનેટ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલની સોમવારે યોજાયેલી બંધબારણાની બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની ચર્ચાવિચારણા કરાઈ હતી અને બંને દેશોને તણાવ ઓછો કરવા હાકલ કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાનને ઘણા આકરા સવાલ કરાયા હતાં. પહેલગામ હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાની સંડોવણી અંગે સભ્યોએ ઇસ્લામાબાદને આકરા સવાલો કર્યા હતા.

પાકિસ્તાનની વિનંતી પર મે મહિના માટે યુએનએસસીના પ્રમુખ ગ્રીસે સોમવારે બેઠકનું આયોજન કર્યું હતું. પાકિસ્તાન હાલમાં એક અસ્થાયી સભ્ય છે. ૧૫ સભ્યોની યુએનએસસીએ બેઠક પછી કોઈ નિવેદન બહાર પાડ્યું ન હતું, પરંતુ પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના પોતાના ઉદ્દેશ્યો “મોટાભાગે પૂરા થયા” હતાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે 15 દેશોની સુરક્ષા પરિષદના સભ્યોએ તેના આ અનૌપચારિક સત્રમાં પાકિસ્તાનને ઘણા આકરા સવાલો કર્યા હતા અને ભારત સાથે દ્વિપક્ષીય રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવાની સલાહ આપવામાં આવી હતી. પહેલગામ આતંકવાદી હુમલાની વ્યાપક નિંદા કરાઈ હતી અને જવાબદેહી નક્કી કરવા પર ભાર મૂકાયો હતો. કેટલાંક સભ્યોએ ખાસ કરીને પ્રવાસીઓને તેમના ધર્મને આધારે નિશાન બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

યુએનએસસીના સભ્યોએ પાકિસ્તાનના ખોટા દવાઓને સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો અને સવાલ કર્યો હતો કે શું પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા આ હુમલામાં સંડોવાયેલું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે પરિસ્થિતિને આંતરરાષ્ટ્રીય બનાવવાના પાકિસ્તાનના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતાં. ઘણા સભ્યોએ ચિંતા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનના મિસાઇલ પરીક્ષણો અને પરમાણુ હુમલાના નિવેદનો તણાવ ઉશ્કેરણીજનક પરિબળો છે. પાકિસ્તાને ૧૯૬૦ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ બેઠક પહેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે “નાગરિકોને નિશાન બનાવવા અસ્વીકાર્ય છે – અને જવાબદારોને વિશ્વસનીય અને કાયદેસર માધ્યમથી કાર્યવાહી કરવી જોઇએ.

LEAVE A REPLY