હેલ્થ કેમ્પ ઓફ ન્યૂજર્સી (HCNJ) દ્વારા રવિવાર, 9 નવેમ્બરના રોજ ન્યૂજર્સીના સેકોકસના સ્વામિનારાયણ મંદિર ખાતે 19મા વાર્ષિક આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સમુદાયના 200થી વધુ સભ્યોએ ભાગ લીધો અને વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. HCNJ, એક 501(c)(3) બિન-નફાકારક સંસ્થા છે, જે 1998થી વાર્ષિક આરોગ્ય મેળાઓનું આયોજન કરે છે. આ સંસ્થાનો હેતુ સાઉથ એશિયન સમુદાયમાં વીમા વગરના અને ઓછો વીમો ધરાવતા લોકોને આરોગ્ય સેવા આપવાનો છે. આ વર્ષના હેલ્થ કેમ્પમાં મેડિકલ, દાંત અને માનસિક આરોગ્ય સંબંધિત વ્યાપક તપાસ, માર્ગદર્શન અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કેમ્પના લાભાર્થીને ડાયાબિટીસ, હાયપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડર, વિવિધ પ્રકારના કેન્સર, માનસિક આરોગ્યની સ્થિતિઓ અને પીડા-સંબંધિત મુદ્દાઓમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લોહીના વિવિધ ટેસ્ટ, EKGs, શારીરિક તપાસ, કાર્ડિયોલોજી અને દુખાવા સંબંધિત સલાહ, કેન્સરની તપાસ અને શિક્ષણ, મહિલા આરોગ્યની તપાસ, આહાર સંબંધિત માર્ગદર્શન, સારવાર, વૈકલ્પિક દવા, CPRની તાલીમ અને ઈન્ફલ્યુએન્ઝા વેક્સિનેશન સહિતની ઘણી સેવાઓ પણ આપવામાં આવી હતી.
આ કેમ્પમાં ફીઝિશિયન્સ, નિષ્ણાત ડોકટર્સ, માનસિક આરોગ્યના પ્રોફેશનલ્સ, ફાર્માસિસ્ટ, ફ્લેબોટોમિસ્ટ, EKG ટેકનિશિયન, મેડિકલ આસિસ્ટન્ટ્સ, નર્સો, સામાજિક કાર્યકરો અને મેડિકલના વિદ્યાર્થી સ્વૈચ્છિક રીતે જોડાયા હતા. આ કેમ્પમાં સેકોકસના મેયર માઇક ગોનેલી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ કેમ્પના સફળ આયોજન માટે HCNJ, મંદિરના સ્વયંસેવકો અને મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી. HCNJ દ્વારા તેની સ્થાપનાથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં 14,000થી વધુ વ્યક્તિઓની તપાસ થઇ છે અને લોકોમાં 4,500થી વધુ ગંભીર રોગનું નિદાન કર્યું છે. આ વર્ષે HCNJ દ્વારા સમગ્ર ન્યૂજર્સીમાં છ હેલ્થ કેમ્પનું આયોજન થયું હતું, જેમાં 800થી વધુ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી, વર્ષનો અંતિમ કેમ્પ 23 નવેમ્બર, 2025 ના રોજ રવિવારે, ન્યૂજર્સીના પારસિપ્પની ખાતે યોજાશે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું આ સ્વામિનારાયણ મંદિર 25 જુલાઈથી 2 ઓગસ્ટ, 26 દરમિયાન તેની 25મી એનિવર્સરી શ્રી ઘનશ્યામ મહારાજ રજત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. HCNJના વધુ કાર્યક્રમોની માહિતી માટે, www.IHCNJ.org ની મુલાકાત લેવી અથવા [email protected] પર સંપર્ક કરવો.












