ટેક્સાસનો કિશોર 2023ના એક માર્ગ અકસ્માતમાં દક્ષિણ ભારતીય મૂળના પરિવારના છ લોકોના મોત માટે દોષિત ઠરતાં તેને 65 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. WKRCના રીપોર્ટ મુજબ, અત્યારે 19 વર્ષીય લુક ગેરેટ રેસકરની દુર્ઘટના વેળા ઉંમર 17 વર્ષની હતી. કહેવાય છે કે, તેણે અકસ્માત દરમિયાન THC (ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ)નું સેવન કર્યું હતું. જ્યારે તેની ટ્રક સામેથી આવી રહેલા ટ્રાફિકમાં ઘુસી જતાં આ ગોઝારી ઘટના બની હતી. સામાન્ય રીતે THC ગાંજામાં જોવા મળતું એક તત્વ છે, જેના સેવનના કારણે વ્યક્તિ ‘નશા’માં હોવાનું અનુભવે છે. આ અકસ્માત 2023માં 26 ડિસેમ્બરના રોજ સાંજે 4:00 કલાકે ટેક્સાસના સાઉથ ક્લીબર્નના કાઉન્ટી રોડ 1119 નજીક યુએસ હાઇવે 67 પર થયો હતો. આ દુર્ઘટનાના પીડિતોમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. આ પરિવાર ગ્લેન રોઝમાં ફોસિલ રિમ વાઇલ્ડલાઇફ સેન્ટરની મુલાકાત લઇને હોન્ડા ઓડિસી મિનિવાનમાં ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે તે રેસકરની શેવી સિલ્વરાડો સાથે અથડાઈ હતી. મિનિવાનમાં કુલ સાત લોકો મુસાફરી કરી રહ્યા હતા, તેમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ પરિવારજનો દક્ષિણ ભારતીય હતા. આ દુર્ઘટનામાં જે એક માત્ર વ્યક્તિનો બચાવ થયો હતો તે લોકેશ પોટાબાથુલાએ તેમના પત્ની, બે બાળકો, પિતરાઇ અને સાસરી પક્ષના પરિજનો ગુમાવ્યા છે અને તેમને ગંભીર ઇજા થઇ હતી.

LEAVE A REPLY