બ્લેક લાઇવ્સ મેટર ચળવળના જવાબમાં સ્કાય દ્વારા 2025 સુધીમાં દર પાંચ સ્ટાફમાંથી લઘુમતી પૃષ્ઠભૂમિના એક વ્યક્તિને નોકરી પર રાખનાર છે. સ્કાય ખાતરી આપશે કે વર્તમાન સંખ્યા કરતાં લગભગ બમણા એટલે કે ઓછામાં ઓછા 5% કર્મચારીઓ શ્યામ હશે. નવા ભરતીના લક્ષ્યાંક હેઠળ, 1,500થી વધુ શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય કામદારોને લેવામાં આવશે. જે તેના યુકે અને આયર્લેન્ડમાં તેના 25,000થી વધુ મજબૂત કાર્યબળને ફરીથી આકાર આપશે.

2031 સુધીમાં બ્રિટનનો પાંચમો ભાગ લઘુમતી વંશીય બેકગ્રાઉન્ડનો હશે તેવી આગાહી છે. આ લક્ષ્યોનું  કેટલીક બેન્કો, એકાઉન્ટન્ટ્સ અને સિવિલ સર્વિસીસ દ્વારા પણ પાલન કરવામાં આવનાર છે. બીબીસીમાં 15% સ્ટાફ BAME છે અને સૌથી વધુ વેતન મેળવતા લોકોના શોર્ટલિસ્ટમાં હવે ઓછામાં ઓછા એક લઘુમતી વંશીય ઉમેદવારનો સમાવેશ થવો આવશ્યક છે.

હાસ્ય કલાકાર અને અભિનેતા લેની હેનરીએ દલીલ કરી હતી કે બ્રિટિશ બ્રોડકાસ્ટર્સ કેમેરાની બંને બાજુ ડાયવર્સીટીમાં સુધારો નહીં કરે તો તેઓ તેમના પ્રેક્ષકોનો મોટો ભાગ કાયમ માટે ગુમાવશે.

સ્કાયના 300 વરિષ્ઠ મેનેજરોમાંથી ફક્ત ત્રણ જ શ્યામ છે, જેમાં ડેનિસ પર્ટનો સમાવેશ થાય છે. તેમની ઑન-સ્ક્રીન પ્રતિભાના ચોથા ભાગના, તેમના 17% કૉમેડી અને નાટ્ય લેખકો લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના છે, જ્યારે સીનીયર પ્રોડક્શન રોલમાં આ પ્રમાણ 10% છે.

લોયડ્સ બેન્ક તેના દર 10 કર્મચારીઓમાંથી એક BAME ના હોય તેવું લક્ષ્ય રાખે છે, જે વસ્તીના 14%ના રાષ્ટ્રીય આંકડાની નીચે છે. નેટવેસ્ટ વરિષ્ઠ ભૂમિકામાં શ્યામ સ્ટાફના પ્રમાણમાં 2 ટકાનો વધારો કરવા માંગે છે જે હાલ 1% છે. અર્ન્સ્ટ એન્ડ યંગ 2025 સુધીમાં તેના 20% ભાગીદારોને BAME બનાવવાનું લક્ષ્ય રાખે છે. યુકે સરકાર 2025 સુધીમાં સિનિયર સિવિલ સર્વિસમાં માઇનોરીટી એથનીક બેકગ્રાઉન્ડના 13.2% લોકોની નવી ભરતીઓ કરવાનું લક્ષ્યાંક બનાવી રહી છે જે છેલ્લા વર્ષોમાં 5.6 છે.

કન્ફેડરેશન ઑફ બ્રિટીશ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ લોર્ડ કરણ બીલીમોરિયાએ જણાવ્યું હતું કે, “બ્રિટિશ બિઝનેસીસમાં ખાસ કરીને વરિષ્ઠ સ્તરે – વધુ વંશીય અને વંશીય ભાગીદારીમાં વેગ લાવવાના પ્રયત્નોની ખૂબ જ જરૂર છે.”