પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિઝા ડોક્યુમેન્ટમાં કથિત ગોટાળાને પગલે એક જ દિવસમાં 21 ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાંથી દેશનિકાલ કરાયા હતાં આ વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશ અને તેલંગાણા છે. વિદ્યાર્થીઓએ વિઝા ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી, પરંતુ એટલાન્ટા, શિકાગો અને સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમના દસ્તાવેજોની તપાસ કરી હતી અને તે પછી તેમને અટકાયતામાં લેવાયા હતા, એમ મીડિયા રીપોર્ટ્સમાં જણાવાયું હતું. આ ઘટના 12થી 16 ઓગસ્ટ વચ્ચેની હોવાનું માનવામાં આવે છે. જોકે આ મુદ્દે ભારત કે અમેરિકા સરકાર તરફથી કોઇ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

અમેરિકાથી દેશનિકાલથી વિદ્યાર્થીઓના સમય અને પૈસાનો વેડફાડ થયો નથી, પરંતુ તેનું ભાવિ પણ અંધકારમય બન્યું છે. અમેરિકાના આકરા નિયમોની પણ અસર થશે. અમેરિકામાં સામાન્ય રીતે દેશનિકાલ કરાયા લોકો પર પાંચ વર્ષનો પ્રતિબંધ આવતો હોય છે.

અમેરિકાની સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ કફોડી સ્થિતિમાં મૂકાયા હતા. તેઓ માનતા હતાં કે તેઓએ તેમના વિઝા માટેની તમામ આવશ્યકતાઓ પૂર્ણ કરી છે અને કોલેજોમાં જોડાવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર માસ્ટર કોર્સ માટે અમેરિકામાં આવેલા વિદ્યાર્થીઓને દેશનિકાલ કરાયા છે, કારણ કે તેમના તેમના વિઝા દસ્તાવેજોમાં વિસંગતતા હતી.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને શા માટે પાછા મોકલવામાં આવ્યા હતા તે વિશે તેમને પૂરતી માહિતી આપવામાં આવી ન હતી. વિદ્યાર્થીઓ માને છે કે તેમના વિઝા દસ્તાવેજોમાં કોઇ સમસ્યાને કારણે આવો નિર્ણય કરાયો છે. કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમના ફોન અને વોટ્સએપ ચેટ પણ ચેક કરવામાં આવી હતી. બીજા કેટલાંક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓને ચુપચાપ દેશ છોડી દેવાની સૂચના અપાઈ હતી અને સાથે ચેતવણી અપાઈ હતી કે જો તેઓ કોઇ વાંધો ઉઠાવશે તો ગંભીર કાનૂની કાર્યવાહી કરાશે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ મિસોરી અને સાઉથ ડાકોટા રાજ્યોની યુનિવર્સિટીમાં એડમિશન લીધાં હતાં.

દરમિયાન એક વેબસાઈટે જણાવ્યું હતું કે ચેકિંગ પછી આ વિદ્યાર્થીઓને ખૂબ જ સાંકડી જગ્યામાં રાખવામાં આવ્યાં હતાં અને યોગ્ય કમ્યુનિકેશનની સુવિધા પણ અપાઈ ન હતી. વિદ્યાર્થીઓને  જેલમાં મોકલવાની પણ ધમકી પણ આપવામાં આવી હતી. મીડિયા રીપોર્ટ મુજબ આ વિદ્યાર્થીઓ પર આગામી 5 વર્ષ સુધી યુ.એસ.માં પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે.

LEAVE A REPLY

five × four =