દિલ્હીમાં આંદોનકારી ખેડૂતો 26 જાન્યુઆરીએ ઐતિહાસિક લાલ કિલ્લામાં પ્રવેશ્યા હતા. REUTERS/Adnan Abidi

ભારતમાં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી વ્યાપક હિંસામાં આશરે 300 પોલીસ જવાનો ઘાયલ થયા હતા. પોલીસે બુધવાર સુધીમાં 200 તોફાનીઓની અટકાયત કરી હતી. આ હિંસાના સંદર્ભમાં દિલ્હી પોલીસે બુધવાર સુધીમાં 22 એફઆઇઆર દાખલ કરી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિવિધ વિડિયો અને સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને હિંસામાં સંડોવાયેલા લોકોને શોધવામાં આવશે. આવા ગુનેગારો સામે આકરા પગલાં લેવામાં આવશે. ખેડૂતોની હિંસાને પગલે રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને લાલ કિલ્લાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. સરકારે વધારાના અર્ધલશ્કરી દળો ગોઠવ્યા હતો.

26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડના નામે ખેડૂતોએ પોલીસ પર પણ હુમલા કર્યા હતા અને વિવિધ જગ્યાએ ભારે તોડફોડ પણ કરી હતી. તેમના પર હિંસા કરવાનો જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો અને પોલીસ કર્મીઓ પર હુમલા કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. દરમિયાન દિલ્હી પોલીસે સિંધુ બોર્ડર પાસે જ્યાં ખેડૂતોનો જમાવડો છે ત્યાં સુરક્ષા વધારી છે.