યુકેના ચીફ ઇન્સ્પેક્ટર ઓફ બોર્ડર્સ એન્ડ ઇમિગ્રેશનની તપાસમાં જણાયું હતું કે, અહીં કાર્યરત ચોથાભાગના વિદેશી કેર વર્કર્સે દેશના અન્ય ઉદ્યોગોમાં ગેરકાયદે કામ કરીને વિઝાના નિયમોનો દુરુપયોગ કર્યો હતો. ચીફ ઇન્સ્પેક્ટર ડેવિડ નીલે હોમ ઓફિસના સોશિયલ કેર વિઝા રૂટના સંચાલનમાંથી કેટલાક તારણો જાહેર કર્યા હતા. આ ક્ષેત્રે કામદારોની મોટી અછત દૂર કરવા માટે બે વર્ષ અગાઉ આ વિઝા રજૂ કરાયા હતા.

ડેવિડ નીલને જણાયું હતું કે, હોમ ઓફિસે એવા 275 કેર હોમ માટે વિઝા આપ્યા હતા જે અસ્તિત્વમાં જ નહોતા અને 1,234 એવી કંપનીને વિઝા અપાયા હતા જેમણે જણાવ્યું હતું કે જ્યારે તેને સંચાલનનું લાઇસન્સ મળ્યું ત્યારે તેમની પાસે ફક્ત ચાર જ કર્મચારીઓ હતા. આ બે ઉદાહરણોને કારણે 1500થી વધુ માઇગ્રન્ટ્સને સોશિયલ કેર ક્ષેત્રમાં નોકરીની આડમાં યુકે આવવાની મંજૂરી મળી હતી.

નીલે આ મહિનાની શરૂઆતમાં તેમનો રીપોર્ટ રજૂ કર્યો હતો, પરંતુ તે ગત વર્ષમાં તેમણે રજૂ કરેલા 13 રીપોર્ટ્સમાંથી એક છે જે હોમ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવ્યા નહોતા. આ પદે નીલની નિમણૂક 2021માં થઇ હતી, ડાઉનિંગ સ્ટ્રીટે તેમની પુનઃનિમણૂક અટકાવતા તેઓ 21 માર્ચે તેમની જવાબદારીમાંથી મુક્ત થશે. હોમ ઓફિસના સીનિયર સૂત્રોના જણાવ્યા મુજબ, તેમના અનુગામીની નિમણૂક 6થી આઠ મહિનાની વચ્ચે કરાશે નહીં, એટલે કે રવાન્ડા સ્કીમ પર હોમ ઓફિસનું સ્વતંત્ર નિરીક્ષણ રહેશે નહીં. ડેવિડ નીલે જણાવ્યું હતું કે, ગત વર્ષે સપ્ટેમ્બરથી 101,316 લોકોમાંથી અંદાજે 25,000 લોકોને સોશિયલ કેર વિઝા આપ્યા હતા અને તેઓ અન્ય ક્ષેત્રોમાં ગેરકાયદે રીતે કામ કરતા હશે.

કેર વિઝાની શરતો મુજબ જેતે વ્યક્તિ કામદારોની અછત ધરાવતા વ્યવસાયની યાદી મુજબ નોકરી કરતો હોય તો જ તેને નોન-કેર ક્ષેત્રની નોકરીમાં વધારાના 20 કલાક કામ કરવાની મંજૂરી મળે છે.

આ વિઝા શરૂ કરાયા ત્યારે પ્રથમ 18 મહિનામાં 123,000થી વધુ વિદેશી કેર વર્કર્સને વિઝા અપાયા હતા અને વધારાના 145,000 પરિવારના સભ્યો તેમની સાથે આવ્યા હતા. આ ક્ષેત્રમાં 150,000 ખાલી જગ્યા ભરવામાં મદદ માટે ફેરફારો કરાયા હતા, કેર હોમ્સને ઓછામાં ઓછા 20,960 પાઉન્ડ અથવા કલાક દીઠ 10.75 પાઉન્ડના પગાર સાથે વિદેશી કામદારને ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

five × two =