અમદાવાદમાં 12 જૂને થયેલા ભયાનક પ્લેન ક્રેશના 11 દિવસ પછી ડીએનએ ટેસ્ટ મારફત 259 મૃતકોની ઓળખ થઈ હતી અને 256 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યાં હતાં. બાકી રહેલા ફક્ત ત્રણ મૃતદેહ યુકેના નાગરિકોના હતાં. તેમાંથી બેના નશ્વર દેહને યુકે મોકલવાની પ્રક્રિયા ચાલુ કરાઈ હતી અને એક પરિવારે બુધવાર, 25 જૂને મૃતદેહનો કબજો લેવાની સત્તાવાળાને જાણ કરી હતી. એક મુસાફરના ડીએનએ ટેસ્ટનું રિઝલ્ટ બાકી હતું
આ દુર્ઘટનામાં આશરે 260 લોકોના મોત થયાં હતાં. જોકે સરકારે હજુ કોઇ કોઇ અંતિમ મૃત્યુઆંક જાહેર કર્યો નથી. મૃતકોની ઓળખ થઈ હતી, તેમાં 199 ભારતીય અને 60 યુકે, પોર્ટુગલ અને કેનેડાના નાગરિકો હતાં.
બીજી તરફ દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 787-8 ડ્રીમલાઇનના બ્લેક બોક્સ અને કોકપીટ વોઇસ રેકોર્ડર ભારતમાં જ રાખવામાં આવ્યાં છે અને તેની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ તપાસ ચાલુ કરી હતી. ફ્લાઇટ ડેટા રેકોર્ડરને વિશ્લેષણ માટે અમેરિકામાં મોકલવામાં આવશે તેવા મીડિયા અહેવાલ પછી નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાઇડુએ 24 જૂને જણાવ્યું હતું કે AAIB દ્વારા તમામ ટેકનિકલ, સલામતી અને સુરક્ષા બાબતોનું યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી રેકોર્ડર્સનું ડીકોડિંગ ક્યાં કરવું તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ દુર્ઘટનાની યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના નેતૃત્વ હેઠળ સમાંતર આંતરરાષ્ટ્રીય તપાસ પણ ચાલુ છે.
અમદાબાદ સિવિલ હોસ્પિટલે જણાવ્યું હતું કે ત્રણ બ્રિટિશ નાગરિકોના મૃતદેહને ફ્લાઇટ દ્વારા મોકલવાની પ્રક્રિયા ચાલુ કરાઈ હતી. 259 મૃતકોમાં 199 ભારતીયો (૧૮૦ મુસાફરો અને ૧૯ ગ્રાઉન્ડ મૃતકો), સાત પોર્ટુગીઝ નાગરિકો, 52 બ્રિટિશ નાગરિકો અને એક કેનેડિયનનો સમાવેશ થાય છે. હોસ્પિટલે જણાવ્યું હતું કે 19 બિન-મુસાફર વ્યક્તિઓના મૃતદેહ તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા હતાં. આમાંથી 13 મૃતકોની ઓળખ ડીએનએ રિપોર્ટ દ્વારા અને છની ઓળખ ચહેરાની ઓળખ દ્વારા કરાઈ હતી. અત્યાર સુધી ઓળખાયેલા ભારતીય મૃતકો ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, મણિપુર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દીવ અને નાગાલેન્ડ સહિત દેશના વિવિધ ભાગોના હતા.
ઘણા મૃતદેહો ઓળખી ન શકાય તેવા બળી ગયા હતા અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા, તેથી અધિકારીઓ પીડિતોની ઓળખ સ્થાપિત કરવા માટે ડીએનએ મેચિંગ કરી રહ્યા છે.
