વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં નવસારીથી ગુજરાતમાં દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસવેના વડોદરાથી ભરૂચ સુધીમાં ૮૭ કિલોમીટર લાંબા ત્રણ પેકેજ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. જે વડોદરામાં મુખ્ય લોજિસ્ટિક્સ હબને જોડશે,જેના પરિણામે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં નોંધપાત્ર આર્થિક વિકાસ થશે.
આ પેકેજમાં પહેલો ભાગ, ૩૧ કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને રૂ.૨૪૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, બીજો ભાગ લગભગ ૩૨ કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને રૂ. ૩૨૦૦ કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ ૨૩ કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે, જેને રૂ.૪૩૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે રૂ.૧૦ હજાર કરોડથી વધુના NHAIના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કર્યા હતા.
ગુજરાત સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વેની (DME)નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંદાજે રૂ. ૯૮ હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલો આ ૧,૩૮૦ કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. આ એક્સપ્રેસ વે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડશે. આ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેમાં જયપુર, કિશનગઢ,અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત શહેરની આર્થિક પ્રવૃત્તિઓ સાથે લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ના કામની શરૂઆત માર્ચ-૨૦૧૯ માં કરવામાં આવી હતી. તેની અગત્યની કડી રૂપે ગુજરાતમાં ૪૨૩ કિલોમીટરનો એક્સપ્રેસ વે કુલ રૂ. ૩૫,૧૦૦ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.
આ નવા એક્સપ્રેસ-વે નું સંપૂર્ણ કામ પૂર્ણ થશે ત્યારે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ ૨૪ કલાકથી ઘટીને ૧૨ કલાક થવાની ધારણા છે એટલે ૫૦ ટકા જેટલી સમયની બચત થશે.

LEAVE A REPLY

3 + fourteen =