ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગુરુવાર રાત્રે અને શુક્રવાર બપોર દરમિયાન 2.6થી 3.8ની તીવ્રતાના ભૂકંપના ઓછામાં ઓછા 12 આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ખાસ કરીને રાજકોટ જિલ્લાના ત્રણ તાલુકામાં શ્રેણીબદ્ધ આંચકા અનુભવાયા હતાં. ઘણા લોકો સાવચેતીના પગલા તરીકે ખુલ્લા ખેતરોમાં આશરો લેવા દોડી ગયાં હતાં.
રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે જિલ્લાના ઉપલેટા, ધોરાજી અને જેતપુર તાલુકામાં ભૂકપના 12 આંચકા નોંધાયા હતાં, જેની તીવ્રતા 1.4થી 3.8 સુધીની હતી. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યાં નથી. ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલૉજિકલ રિસર્ચના ડેટા અનુસાર ગુરુવારે રાત્રે ૮.૪૩ વાગ્યે ૩.૩ની તીવ્રતાનો પહેલો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર ઉપલેટા શહેર નજીક હતું.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)એ 2.6થી 3.8ની તીવ્રતાના 12 ભૂકંપ નોંધ્યા હતા, જેનું કેન્દ્ર ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. ‘અર્થક્વેક સ્વાર્મ’ (ધ્રુજારીની શ્રેણી અથવા નાના ભૂકંપ)ને કારણે, ઉપલેટા, ધોરાજી અને જેતપુર તાલુકાના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પહેલા ભૂકંપ પછી તેઓ ગભરાટમાં પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતાં શુક્રવાર બપોર સુધી જમીન ઘણી વખત ધ્રુજતી રહી હતી. ઘણા તો સાવચેતીના પગલા તરીકે પોતાના ઘર છોડીને ખુલ્લા મેદાનમાં આશરો લીધો હતો.
કલેક્ટર પ્રકાશે જણાવ્યું હતું કે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી વહીવટીતંત્રે અસરગ્રસ્ત તાલુકાઓમાં જર્જરિત ઇમારતો ઓળખી કાઢી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની અપીલ કરી છે.અમે જૂની ઇમારતો ઓળખ્યા પછી આવી શાળાઓના શિક્ષકો, તલાટીઓ અને સરપંચોને જાણ કરી છે. બધી આંગણવાડીઓ અને જૂની ઇમારતોમાં આવેલી શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે













