અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા સહિત હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓના ટ્વીટર એકાઉન્ટ્સ હેક કરવાના આરોપમાં દોષિત ઠરેલા આરોપીને 4.1 મિલિયન પાઉન્ડ ($5.40 મિલિયન) મૂલ્યના બિટકોઇન પરત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, એમ બ્રિટિશ પ્રોસિક્યુટર્સે સોમવારે જણાવ્યું હતું.
26 વર્ષીય જોસેફ જેમ્સ ઓ’કોનોરે અમેરિકામાં કમ્પ્યુટર ઘુસણખોરી, વાયર ફ્રોડ અને ખંડણી સહિતના આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને 2023માં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2021માં સ્પેનમાં તેની ધરપકડ કરાઈ હતી અને હાઇકોર્ટના આદેશ બાદ તેનું અમેરિકામાં પ્રત્યાર્પણ કરાયું હતું.
બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે સોમવારે જણાવ્યું હતું કે તેને કૌભાંડ સાથે જોડાયેલા 42 બિટકોઈન અને અન્ય ક્રિપ્ટો સંપત્તિઓ જપ્ત કરવા માટે સિવિલ રિકવરી ઓર્ડર મેળવ્યો છે. આ એસેટ હેક કરેલા એકાઉન્ટ્સ સંબંધિત હતી અને તેનાથી સેલિબ્રિટીની ધમકી અપાઈ હતી. અગાઉ પ્રોપર્ટી ટાંચમાં લેવાનો અને કોર્ટ નિયુક્ત ટ્રસ્ટ દ્વારા તેના વેચાણ કરવાનો આદેશ મેળવવામાં અપાયો હતો.
પ્રોસિક્યુટર એડ્રિયન ફોસ્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “યુકેમાં કોઈને દોષિત ઠેરવવામાં ન આવ્યા હોય તો પણ, અમે ખાતરી કરી શકીએ છીએ કે તેમને તેમના ગુનાનો લાભ ન મળે.”
જુલાઈ 2020માં તત્કાલીન ડેમોક્રેટિક પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બાઇડન, ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક, ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ઓબામા તથા બિલ ગેટ્સ, વોરેન બફેટ અને કિમ કાર્દાશિયન સહિત અન્ય લોકોના એકાઉન્ટ્સ સાથે ચેડા થયા હતાં











