પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કોરોના મહામારી પછી ગુજરાતમાં બિનનિવાસી ભારતીયો (NRI)ની બેન્ક ડિપોઝિટમાં ઉછાળો આવ્યો છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC)-ગુજરાતના તાજેતરના અહેવાલ મુજબ અમદાવાદ જિલ્લામાં NRI થાપણોમાં ઊંચી થાપણો ધરાવતા ટોચના સાત જિલ્લાઓમાં સૌથી વધુ 41.8% વૃદ્ધિ જોવા મળી હતી. બીજા જિલ્લાઓમાં પણ એનઆરઆઇ થાપણોમાં નોંધપાત્ર વધારો થયો છે. વડોદરામાં એનઆરઆઇ થાપણોમાં 35.6 ટકા, રાજકોટમાં 37 ટકા, આણંદમાં 27.7 ટકા અને ખેડામાં 27.5 ટકાનો વધારો થયો હતો.

2019-20ના એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં અમદાવાદમાં NRIની થાપણો રૂ.14,462.6 કરોડ હતી, જે  2024-25ના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.20,515 કરોડ થઈ હતી. 2014-15ના પ્રથમ ક્વાર્ટર  દરમિયાન, અમદાવાદ જિલ્લામાં NRI થાપણો રૂ.13,099 કરોડ રહી હતી. નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ ક્વાર્ટરમાં તે વધીને રૂ.93,096 કરોડ અથવા 28.5% થઈ હતી.

NRI થાપણોમાં વધારો થવા પાછળ ઘણા કારણો છે. કોવિડ પછી ભારતે બાકીના વિશ્વ કરતાં વધુ સારી આર્થિક રિકવરી નોંધાવી છે. પરિણામે વિદેશના રોકાણકારોનો ભારતમાં વિશ્વાસ વધ્યો છે. ઘણા લોકોએ કૌટુંબિક જરૂરિયાતો પૂરી કરવા માટે ભારતીય NRI ખાતાઓમાં પૈસા પણ મૂક્યા હતા. કોરોના પછી વિદેશમાં માઇગ્રેશનનો ટ્રેન્ડ પણ વધ્યો હતો. તેનાથી પણ થાપણોમાં વધારો થયો છે. આ ઉપરાંત કોરોના પછી રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યો હતો, જે લાંબા સમય સુધી ઊંચા સ્તરે જાળવી રાખ્યો હતો. તેનાથી થાપણો પરના વ્યાજદરો પણ ઊંચા રહ્યાં છે. બીજી તરફ ભૂરાજકીય જોખમોને કારણે વિશ્વના બીજા દેશોમાં ઓછું વળતર મળી રહ્યું છે.

LEAVE A REPLY