Getty Images)

કોરોનાવાઈરસના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે કેન્દ્ર સરકારે વંદે ભારત મિશન ફેઝ-5 શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વિટર પર આપી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, વંદે ભારત મિશનનો પાંચમો તબક્કો 1 ઓગસ્ટથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે.

ફેઝ-5માં યુએસએ, કેનેડા, કતાર, ઓમાન, યુએઈ, ઓસ્ટ્રેલિયા, જર્મની, થાઈલેન્ડ, સિંગાપોર, યુકે, સાઉદી અરેબિયા, બહેરિન, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ સહિત ઘણા દેશોમાંથી ભારતીયોને પરત લાવવામાં આવશે. પાંચમા તબક્કામાં સરકારે ઘણા દેશોનો સમાવેશ કર્યો છે. કેન્દ્ર સરકારે 7મેના રોજ વંદે ભારત મિશન શરૂ કર્યું હતું અને અત્યારે તેનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે.

ચોથા તબક્કામાં અત્યાર સુધીમાં 1197 ફ્લાઇટ્સનું શેડ્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં 945 ઈન્ટરનેશનલ અને 252 ફીડર ફ્લાઈટ સામેલ છે.ટ્વીટ દ્વારા કેન્દ્રીય મંત્રીના જણાવ્યા પ્રમાણે, વંદે ભારત મિશન અંતર્ગત અત્યાર સુધી વિદેશમાં ફસાયેલા 8.14 લાખ ભારતીય નાગરિકોને લાવવામાં આવ્યા છે. તેમાંથી 2.70 લાખ ભારતીયોને 53 દેશોમાંથી ફ્લાઈટ દ્વારા લાવવામાં આવ્યા છે.

આ મિશન અંતર્ગત એર ઈન્ડિયા સહિત વિવિધ એરલાઈન્સ કંપનીઓને ઉડાન ભરવાની મંજૂરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મિશન અંતર્ગત 1.03 લાખ ભારતીય નેપાલ, ભૂતાન, અને બાંગ્લાદેશનના રૂટથી દેશમાં પરત ફર્યા છે.

હરદીપ પુરીના જણાવ્યા પ્રમાણે, એર ઈન્ડિયા અને અન્ય એરલાઈન્સની ટિકિટ બુકિંગની જાણકારી ટૂંક સમયમાં આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા પ્રમાણે, વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે તમામ નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી છે.