ભારતના આશરે 70 નાગરિકોએ H-1B વિઝાનો ઇનકાર કરવા બદલ અમેરિકાની સરકાર સામે વોશિંગ્ટન રાજ્યની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવો માંડ્યો છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે નોકરીદાતા કંપનીઓના કૌભાંડને કારણે આ 70 ભારતીયોએ H-1B વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો, એમ બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવાયું હતું.

ફરિયાદમાં જણાવ્યા મુજબ અમેરિકી કોલેજ અને યુનિવર્સિટીના વિદેશી ગ્રેજ્યુએટ્સ માટેના ટ્રેનિંગ પ્રોગ્રામ મારફત રોજગારી મેળવનારા ભારતીય ગ્રેજ્યુએટ્સને આવી કંપનીઓ સાથેના જોડાણને કારણે અન્યાયી રીતે સજા કરાઈ છે. તેમને જવાબ આપવાની તક પણ આપવામાં આવી ન હતી. ફરિયાદમાં વિઝા અરજી અંગેના હોમલેન્ડ સિક્યોરિટીના નિર્ણયને રદ કરવાની પણ માગણી કરાઈ છે.

દાવો કરનારા ભારતીયો ચાર આઈટી સ્ટાફિંગ કંપનીઓમાં કામ કરતાં હતા. આ કંપનીઓમાં એન્ડવિલ ટેક્નોલોજીસ, એઝટેક ટેક્નોલોજીસ, ઈન્ટીગ્રા ટેક્નોલોજીસ એલએલસી અને વાયરક્લાસ ટેક્નોલોજીસ એલએલસીનો સમાવેશ થાય છે. દરેક કંપનીને OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ)માં ભાગ લેવા માટે માન્યતા અપાઈ હતી અને ઇ-વેરિફાય એમ્પ્લોયમેન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ દ્વારા પ્રમાણિત કરાઈ હતી. ઘણા આંતરરાષ્ટ્રીય સ્નાતકો યુએસમાં કારકિર્દી શરૂ કરવા માટે OPT પ્રોગ્રામમાં ભાગ લેતા હોય છે. તેનાથી તેમને H-1B વિઝા અને લાંબા ગાળા સુધી અમેરિકામાં રહેવાની પરવાનગી મળતી હોય છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ સરકાર, સ્કૂલો અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવાની કંપનીઓની યોજનાનો પર્દાફાશ કર્યો હતો. જોકે વિદ્યાર્થીઓનું રક્ષણ કરવાને બદલે ડિપાર્ટમેન્ટે વિદ્યાર્થીઓ સહ-કાવતરાખોર હોય તેવી રીતે તેમને સામે પગલાં લીધા હતા.

ફરિયાદપક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા વાસ્ડન લો એટર્નીના જોનાથન વાસ્ડેને જણાવ્યું હતું કે એજન્સીએ એવું માની લીધું છે કે આ કંપનીઓને સ્પર્શ કરનાર કોઈપણ વ્યક્તિ વિઝા અથવા ઈમિગ્રેશન લાભ મેળવવાના પ્રયાસમાં યુએસ સરકારને છેતરપિંડી કરવા માટે દોષિત છે. એજન્સીએ અસરગ્રસ્ત પક્ષકારોને નોટિસ આપવી જોઇએ અને તેમને જવાબ આપવાની તક આપવી જોઈતી હતી.

LEAVE A REPLY

three × 5 =