Corona epidemic

સરકારે યુકેના આઠ શહેરો – કાઉન્સિલ વિસ્તારોના લોકોને એવી સલાહ આપી છે કે તેઓએ અતિ આવશ્યક ના હોય ત્યાં સુધી પોતાના વિસ્તારની બહાર જવું નહીં કે પોતે જેમની સાથે કાયમી વસવાટ કરતા હોય તેવા પરિવારજનો સિવાયના લોકોને બંધિયાર જગ્યાએ – ઘર, ઓફિસ વગેરે સ્થળોએ મળવું નહીં. એ સિવાયના વિસ્તારોમાં વસતા લોકોને પણ આ આઠ વિસ્તારોમાં અતિશય જરૂરી ના હોય ત્યાં સુધી જવું નહીં તેવી સલાહ અપાઈ છે.

કોરોના વાઈરસનો કહેવાતો ઈન્ડિયન વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે તે આઠ વિસ્તારોમાં બોલ્ટન, બ્લેકબર્ન, કર્કલી, બેડફર્ડ, બર્નલી, લેસ્ટર, હંસલો તથા નોર્થ ટેનીસાઈડનો સમાવેશ થાય છે. તા. 20 મે સુધીમાં બોલ્ટનમાં 100,000 લોકો દીઠ કુલ 451 કેસ નોંધાયા છે, જે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ છે.

હોટસ્પોટ તરીકે ઓળખાવાયેલા આ વિસ્તારો માટેની સલાહ સરકારે તેની વેબસાઈટ ઉપર શુક્રવારે રજૂ કરી હતી.

સરકારે વધુમાં એવી પણ ચેતવણી આપી છે કે, 21મી જુન પછીના સમયગાળામાં જે લોકોએ રસીના બન્ને ડોઝ લઈ લીધા હશે તેવા લોકો પણ કોરોનાથી ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે તો તેમણે 10 દિવસ ક્વોરન્ટાઈનમાં તો રહેવું જ પડશે.

આ સલાહ સરકારે ગુપચૂપ રજૂ કરી દીધાની ફરિયાદ કરતા સ્થાનિક કાઉન્સિલ્સના નેતાઓ, એમપીઝને પ્રતિભાવ આપતાં હેલ્થ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે આ સલાહમાં કોઈ નવા નિયંત્રણો કે નિયમનો નથી. સરકારના કથન મુજબ કોરોના વાઈરસનો કથિત ઈન્ડિયન વેરિયન્ટ લગભગ અડધા યુકેમાં – 315 કાઉન્સિલ વિસ્તારોમાંથી 151માં ફેલાઈ ચૂક્યો છે અને તેની ચેપ ફેલાવવાની ક્ષમતા સ્થાનિક કેન્ટ વેરિયન્ટ કરતાં 30 ટકા વધારે હોવાનું મનાય છે.

સરકારની સેજ સલાહકાર સમિતિના સભ્ય, ડો. એડમ કુચાર્સ્કીના કહેવા મુજબ આ વેરિયન્ટના વધુ પડતા કેસ થશે તો હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ શકે છે, જેના કારણે આરોગ્ય તંત્ર ઉપર ફરી વધારે દબાણ ઉભું થઈ શકે છે.

ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવતા બે ડોઝ લઈ ચૂકેલાઓને પણ 10 દિવસ ફરજિયાત આઈસોલેટ થવું પડે તો એ સંજોગોમાં દેશમાં સ્થિતિ ફરી સામાન્ય બનવા સામે અવરોધો ઉભા થઈ શકે છે કારણ કે વધુ સંખ્યામાં લોકોને – સ્ટાફને ક્વોરન્ટાઈન થવું પડે.

ડાઉનિંગ સ્ટ્રીટના સ્ત્રોતે સ્ટીલ્થ દ્વારા સ્થાનિક લોકડાઉન હોવાનું નામંજૂર કરતાં જણાવ્યું હતું કે ‘’આ સલાહ છે, કાયદો નથી અને બધા વિસ્તારો 17 મેના રોજ લોકડાઉનથી બહાર આવી ઇંગ્લેન્ડની ગાઇડલાઇનના ત્રીજા પગલાથી આગળ વધ્યા છે.’’

વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકાર ઉપરથી હુકમો કરવાના બદલે લોકોને તેમના જજમેન્ટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માગે છે.

અસરગ્રસ્ત સ્થાનિક કાઉન્સિલ વિસ્તારોમાં સંયુક્ત રીતે બે મિલિયનથી વધુ લોકો રહે છે પરંતુ આ નવી ગાઇડલાઇન્સ અંગે તેમની સલાહ લેવામાં આવી નથી. નોર્થ ટેનીસાઇડ કાઉન્સિલે કહ્યું હતું કે અધિકારીઓને સોમવાર સુધી તે વિશે ખબર નહતી.

બ્લેકબર્ન વીથ ડાર્વેનના પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડોમિનિક હેરિસને કહ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં આ ગાઇડલાઇન અંગેની સલાહ, ચેતવણી, સૂચન આપવામાં આવ્યા નહતા. પરંતુ ડાઉનિંગ સ્ટ્રીટનાં સ્ત્રોતે બીબીસીને જણાવ્યું કે તમામ ક્ષેત્રોને નવીનતમ સલાહ વિશે માહિતગાર કર્યા હતા.

શેડો હેલ્થ સેક્રેટરી જોનાથન એશ્વર્થે વેક્સીન મિનીસ્ટર નધિમ ઝાહાવીને “હવે આ ગાઇડલાઇન પાછી ખેંચવા વિનંતી કરી હતી.’’