અમેરિકાની ધરતી પર એક શીખ ઉગ્રવાદીની હત્યાના કાવતરાને લગતા આરોપોની તપાસ માટે ભારતે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. સમિતિના તારણોના આધારે ભારત જરૂરી ફોલો-અપ પગલાં લેશે.
ગયા સપ્તાહે અનામી સ્ત્રોતોને ટાંકીને ફાઇનાન્સિયલ ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે યુએસ સત્તાવાળાઓએ ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું અને કાવતરામાં સામેલ હોવાની ચિંતાઓ અંગે ભારત સરકારને ચેતવણી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બુધવારે જણાવ્યું હતું કે ભારતે આ મામલાના તમામ સંબંધિત પાસાઓની તપાસ કરવા માટે 18 નવેમ્બરે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી.પન્નુન ભારતીય તપાસ એજન્સીઓના વિવિધ આતંકવાદી આરોપોમાં વોન્ટેડ છે. તે અમેરિકા અને કેનેડાનું બેવડુ નાગરિકત્વ ધરાવે છે.
બાગચીએ કહ્યું હતું અમે પહેલાથી જ કહ્યું છે કે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ પર અમેરિકા સાથે ચર્ચા દરમિયાન અમેરિકી પક્ષે સંગઠિત ગુનેગારો, બંદૂક ચલાવનારાઓ, આતંકવાદીઓ અને અન્યો વચ્ચેના જોડાણને લગતા કેટલાક ઇનપુટ્સ શેર કર્યા હતા. ભારત આવા ઇનપુટ્સને ગંભીરતાથી લે છે કારણ કે તે આપણા રાષ્ટ્રીય સુરક્ષા હિતોને પણ અસર કરે છે અને સંબંધિત વિભાગો પહેલાથી જ આ મુદ્દાની તપાસ કરી રહ્યા છે. આ સંદર્ભમાં 18 નવેમ્બરના રોજ, ભારત સરકારે આ બાબતના તમામ સંબંધિત પાસાઓની તપાસ કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની “સંભવિત” સંડોવણીના આક્ષેપો કર્યાના અઠવાડિયા પછી FT રિપોર્ટ આવ્યો હતો.