ગુજરાતમાં ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૪માં અત્યાર સુધી માત્ર 16 દેશોએ જ કન્ટ્રી પાર્ટનર બનવા તૈયારી દર્શાવી છે. પહેલીવાર વિદેશની ૧૪ વેપારી સંગઠનોને આમંત્રણ પાઠવીને પાર્ટનર બનાવવામાં આવ્યાં છે. આમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કન્ટ્રી પાર્ટનર ઉપરાંત ભાગ લેનારાની સંખ્યા ઓછી રહે તેવી શક્યતા છે.
આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં કન્ટ્રી પાર્ટનર તરીકે જાપાન, ફિનલેન્ડ, મોરોક્કો, રિપબ્લિક ઓફ કોરિયા, મોઝામ્બિક, એસ્ટ્રોનિયા, યુએઇ, ઓસ્ટ્રેલિયા, યુકે, નેધરલેન્ડ, નોર્વે, નેપાળ, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, જર્મની અને ઇજિપ્તે જોડાવવા તૈયારી દર્શાવી છે. વર્ષ ૨૦૧૯માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ૧૬ કન્ટ્રી પાર્ટનર સહિત ૧૩૫ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આ વખતે આંતરરાષ્ટ્રીય મોરચે સ્થિતિ સારી નથી. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. આની સાથે ઇઝરાયેલ-હમાસ વચ્ચે પણ ઘમાસાણ યુધ્ધ છેડાયુ છે. આ પરિસ્થિતિમાં રશિયા-ઇઝરાયેલ જ નહીં, અન્ય દેશોએ પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં રસ દાખવ્યો નથી. અગાઉની તમામ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કેનેડા પણ પાર્ટનર તરીકે જોડાયેલું રહ્યું છે પરંતુ આ વખતે ભારત-કેનેડા વચ્ચે રાજકીય સબંધો વણસેલા છે, તેથી કેનેડા માટે ગુજરાતમાં નો-એન્ટ્રી છે.