પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઊંચા ફુગાવા અને ઊંચા જીવનખર્ચની કટોકટી વચ્ચે બ્રિટનનું અર્થતંત્ર ગયા વર્ષના અંત ભાગમાં મંદીમાં સપડાયું હતું. ચૂંટણી પહેલા આ નવા આર્થિક ડેટાથી વડાપ્રધાન ઋષિ સુનકને ફટકો પડ્યો હતો. 2020ના પ્રથમ છ મહિના પછી અર્થતંત્ર પ્રથમ વખત મંદીમાં આવ્યું છે. 2020ના પ્રારંભમાં કોરોના મહામારીથી અર્થતંત્રને ફટકો પડ્યો હતો.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2023ના ચોથા ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 0.3 ટકાનો ઘટાડો થયો હતો. અગાઉના ત્રણ મહિનામાં જીડીપીમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો. સતત બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં ઘટાડાને પગલે અર્થતંત્ર મંદીમાં આવ્યું છે. સામાન્ય રીતે સતત બે ક્વાર્ટર માટે જીડીપીમાં ઘટાડો થાય ત્યારે તેને મંદી કહેવામાં આવે છે.

આ ન્યૂઝ સુનક માટે એક મોટો ફટકો છે, કારણ કે વડાપ્રધાન તેમની ટોચની પાંચ પ્રાથમિકતાઓમાંની એક તરીકે અર્થતંત્રમાં વૃદ્ધિનું વચન આપ્યું છે. શાસક કન્ઝર્વેટિવ્સ હાલમાં સામાન્ય ચૂંટણી પહેલા કીર સ્ટાર્મરની મુખ્ય વિપક્ષી લેબર પાર્ટીથી પાછળ છે.

ઓએનએસના ઇકોનોમિક સ્ટેટિસ્ટીક્સ ડાયરેક્ટર  લિઝ મેકકોને જણાવ્યું હતું કે અમારો પ્રારંભિક અંદાજ દર્શાવે છે કે યુકેના અર્થતંત્રમાં 2023ના ચોથા ક્વાર્ટરમાં ઘટાડો થયો હતો. તમામ મુખ્ય ક્ષેત્રોની વૃદ્ધિમાં આ ક્વાર્ટરમાં ઘટાડો થયો હતો. આ ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ, બાંધકામ અને હોલસેલનો સમાવેશ થાય છે.

આ આર્થિક ડેટા અંગે પ્રતિક્રિયા આપતા  નાણા પ્રધાન જેરેમી હન્ટે હતું કે “ઊંચો ફુગાવો આર્થિક વૃદ્ધિ માટે સૌથી મોટો અવરોધ છે” એક દિવસ પહેલા જાહેર થયેલા ડેટામાં જણાવ્યું હતું કે યુકેનો ફુગાવો જાન્યુઆરીમાં 4.0 ટકા અથવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ટાર્ગેટ કરતાં કરતાં બમણો રહ્યો હતો.

યુકેના શેડો ચાન્સેલર રાચેલ રીવસે કહ્યું હતું કે “અર્થતંત્રને આગળ વધારવાનું ઋષિ સુનકનું વચન પોકળ સાબિત થયું છે. વડાપ્રધાન હવે વિશ્વાસપૂર્વક દાવો કરી શકતા નથી કે તેમની યોજના કામ કરી રહી છે અથવા તેમણે કન્ઝર્વેટિવ્સના શાસન હેઠળ 14 વર્ષથી વધુના આર્થિક પતનને પલટી નાંખ્યું છે. આ ઋષિ સુનકની મંદી છે અને આ સમાચાર સમગ્ર બ્રિટનમાં પરિવારો અને વ્યવસાય માટે ખૂબ જ ચિંતાજનક છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments