બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે ગયા નાણાકીય વર્ષમાં 508,000 પાઉન્ડ ($641,000) ટેક્સ ચૂકવ્યો હતો, કારણ કે તેમના રોકાણોમાંથી થયેલી આવક તેમની સત્તાવાર આવક કરતાં ઘણી વધારે છે, એમ તેમના એકાઉન્ટન્ટ્સે શુક્રવારે જારી કરેલા એક અહેવાલમાં દર્શાવાયું હતું. નાણાંકીય સેવાઓમાં તેમની ભૂતકાળની કારકિર્દી અને તેમની પત્નીના મજબૂત નાણાંકીય વારસાના લીધે સુનક બ્રિટિશ ઇતિહાસના સૌથી ધનાઢ્ય વડા પ્રધાન છે. તેમની પત્ની અક્ષતાના પિતા ભારતીય IT કંપની ઇન્ફોસિસના સ્થાપક રહ્યા હતા.
સુનક 2022માં વડાપ્રધાન બન્યા ત્યારથી તેમની ટેક્સ બાબતોની વિગતો જાહેર કરતા રહ્યા છે. આંકડા દર્શાવે છે કે સુનક એપ્રિલ 2022 અને માર્ચ 2023 વચ્ચે સંસદ સભ્ય, નાણાં પ્રધાન અને વડા પ્રધાન તરીકેના તેમના પગારમાંથી 139,000 પાઉન્ડ અને રોકાણોમાંથી 2.1 મિલિયન પાઉન્ડ કમાયા હતા.
રોકાણમાંથી તેની આવકમાંથી 1.8 મિલિયન પાઉન્ડ કેપિટલ ગેઇન્સમાંથી આવ્યા હતા, જે એક વર્ષ અગાઉ 1.6 મિલિયન પાઉન્ડ હતા. સુનકે ચૂકવેલા કુલ કરમાંથી લગભગ 70% શેરો જેવા રોકાણોના વેચાણમાંથી થયેલા નફા પરના કેપિટલ ગેઇન ટેક્સને કારણે હતો.
જો કે સુનકની તેની આવકની વિગતો જાહેર કરવાની જવાબદારી નથી, તેમ છતાં તે તેની અંગત નાણાકીય બાબતોમાં વધુ પારદર્શકતા માટે સંમત થયા હતા. સુનકના એકાઉન્ટન્ટ્સ એવલિન પાર્ટનર્સ તરફથી નોંધવામાં આવ્યું છે કે વડા પ્રધાનની રોકાણ આવક અને મૂડી લાભો “સિંગલ, યુએસ-આધારિત રોકાણ ફંડ” સંબંધિત છે.