બોલીવૂડમાં ફિલ્મફેર એવોર્ડ અને દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડની સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે. દર નવા વર્ષની શરૂઆતમાં બોલીવૂડ અને ટીવી જગતના સ્ટાર્સ આ એવોર્ડ સમારોહની આતુરતાથી રાહ જુએ છે.
2024નો દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ વિતરણ સમારંભ તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયો હતો. જેમાં બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનને સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. શાહરૂખને ફિલ્મ જવાન માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બોબી દેઓલ અને સંદીપ રેડ્ડી વાંગાને એનિમલ ફિલ્મ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
શાહરૂખ ખાને સ્ટેજ પર એવોર્ડ સ્વીકારીને બધાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લી ઘડી સુધી તેને ખ્યાલ નહોતો કે તેણે આ એવોર્ડ જીતી લીધો છે. તેણે કહ્યું હતું કે, મેં વિચાર્યું ન હતું કે મને એવોર્ડ મળશે. મને ઘણા વર્ષોથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો નથી. મને લાગવા માંડ્યું હતું કે હવે મને આ એવોર્ડ નહીં મળે. હું આ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છે અને એવોર્ડ મળ્યા પછી હું હંમેશા સારું અનુભવું છું. આ ટ્રોફી મને આકર્ષે છે.
નેગેટિવ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર બોબી દેઓલનું પાત્ર ભલે ફિલ્મમાં બહુ મોટું ન હોય, પરંતુ એક પણ ડાયલોગ બોલ્યા વિના, તેણે પોતાની બોડી લેંગ્વેજ દ્વારા લોકોના દિલમાં એવો ડર જગાવ્યો, જેનાથી લોકોના રૂંવાડા ઊભા થઇ ગયા હતા. લોકોને તે ખરેખરો વિલન લાગ્યો હતો એ તેની જોરદાર અભિનયક્ષમતાને આભારી છે. તેની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર રૂ. 800 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી.
આ એવોર્ડ સમારંભમાં મોટી સંખ્યામાં બોલિવૂડ અને ટેલીવૂડની સેલેબ્રિટી હાજર હતી. જેમાં કરીના કપૂર, રણબીર કપૂર, શાહિદ કપૂર, અનિલ કપૂર, રાની મુખર્જી, આદિત્ય રોય કપૂર, જાવેદ જાફરી, શમિતા શેટ્ટી, વિક્રાંત મેસી, સોનલ ચૌહાણ, અદા શર્મા, સાન્યા મલ્હોત્રા, નીલ ભટ્ટ, ઐશ્વર્યા શર્મા અને રૂપાલી ગાંગુલી પરિવાર સાથે ગઇ હતી. આ એવોર્ડ સમારંભનું રેકોર્ડિંગ ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ ZEE5 પર પ્રસારિત કરવામાં આવશે.
શાહરૂખ ખાન માટે 2023નું વર્ષ ખૂબ જ સફળ રહ્યું હતું. તેની ફિલ્મ ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડંકી’ રીલિઝ થઈ હતી. આ બંને ફિલ્મોએ અધધધ કમાણી કરી હતી. નયનતારાએ જવાન ફિલ્મમાં પણ જોરદાર અભિનય કર્યો હોવાથી તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
મુખ્ય એવોર્ડ વિજેતાઓની યાદી
શ્રેષ્ઠ અભિનેતા : શાહરૂખ ખાન (જવાન)
શ્રેષ્ઠ અભિનેત્રી : નયનથારા (જવાન)
શ્રેષ્ઠ અભિનેતા-નેગેટિવ રોલઃ બોબી દેઓલ (એનિમલ)
શ્રેષ્ઠ દિગ્દર્શકઃ સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ)
શ્રેષ્ઠ અભિનેતા : (ક્રિટીક) – વિકી કૌશલ (સેમ બહાદુર)
————-