ભારતના બે દિગ્ગજ ક્રિકેટરો, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિની જાહેરાત એક સપ્તાહથી ઓછા ગાળામાં કરી હતી. રોહિત ટીમનો ટેસ્ટ અને વન-ડેનો સુકાની હતો, તો કોહલીએ થોડા વખત પહેલા સુકાનીપદ છોડી દીધું હતું.
વિરાટ કોહલીએ તો છેક શનિવારે (10 મે) તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાયની જાહેરાત કરી હતી. કોહલીએ ઈંગ્લેન્ડના આગામી પ્રવાસ પહેલાં જ બીસીસીઆઈને તેના આ નિર્ણય વિશે જણાવ્યું હતું. બીસીસીઆઈએ તેને આ નિર્ણય પાછો ખેંચી લેવા મનાવવા પ્રયાસ કર્યો હોવાના અહેવાલો છે, જો કે, કોહલીએ પોતાનો નિર્ણય અફર હોવાનું કહ્યું હતું.
રોહિત શર્માએ કદાચ અનિચ્છાએ નિવૃત્તિની જાહેરાત કરી હતી કારણ કે કોચ ગૌતમ ગંભીર અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર તે સિવાય પણ તેને પડતો મુકવાનો કે કમ-સે-કમ સુકાનીપદે બીજા કોઈ યુવાન ખેલાડીની પસંદગી કરવાનો ઈરાદો ધરાવતા હોવાના સંકેત ઈરાદાપૂર્વક આપી દીધા હતા, જેના પગલે રોહિતે આખરે ગયા સપ્તાહે બુધવારે (7 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.
કોહલી અને રોહિત શર્મા, બન્ને ટી-20માંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે, તે સંજોગોમાં હવે બન્ને ફક્ત વન-ડે ઈન્ટરનેશનલ્સમાં ભારતીય ટીમમાં પસંદગી માટેની સ્પર્ધામાં રહે છે. બન્ને માટે ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાનો છેલ્લો પ્રવાસ ખૂબજ નિરાશાજનક રહ્યો હતો, તેના પગલે બન્નેની ટેસ્ટ કારકિર્દી સામે મોટા પ્રશ્નાર્થ ઉભા થયેલા જ હતા.
