(ANI Photo)

બોલીવૂડમાં સીક્વલ ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ જામી રહ્યો છે. દર્શકોએ પસંદ કરેલી ફિલ્મોના પ્રમોશનમાં ઓછી મહેનત કરવી પડે છે અને પ્રથમ ફિલ્મના દર્શક સરળતાથી સીક્વલ જોવા માટે સિનેમાહોલ સુધી પહોંચે છે. તાજેતરમાં અજય દેવગણીની ‘રેડ 2’ રીલીઝ થઇ હતી. હવે બીજી અનેક હિટ ફિલ્મોની સીક્વલ બનાવવાનું આયોજ થઇ રહ્યું છે. આ યાદીમાં હવે ‘કહાની’, ‘ક્વીન’ અને ‘મુજસે શાદી કરોગી’નું નામ ઉમેરાયું છે.

આ ત્રણેય ફિલ્મોમાં જૂની સ્ટોરીને આગળ વધારવામાં આવશે તેવી બોલીવૂડમાં ચર્ચા છે. અક્ષયકુમારની ‘કેસરી 2’ ધીમી ગતિએ સફળ થઇ રહી છે. ‘રેડ 2’ પ્રત્યે પણ દર્શકો આકર્ષાયા છે. આવનારા દિવસોમાં ‘હાઉસફુલ 5’ અને આમીર ખાનની ‘સિતારે જમીન પર’ આવી રહી છે. આમ, બોલીવૂડને લોકપ્રિય બનેલી ફિલ્મોના નામનો લાભ લેવાનું ગમી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ડાયરેક્ટર સુજોય ઘોષ ‘કહાની 3’ની સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યા છે. તેઓ અગાઉની ફિલ્મની સ્ટોરીને આગળ વધારવાની સાથે વિદ્યા બાલનને પણ ફિલ્મમાં યથાવત રાખવા ઇચ્છે છે. વિદ્યા બાલન અને સુજોય ઘોષ વચ્ચે આ ફિલ્મ માટે સમજૂતી થઇ ગઈ છે અને સુજોય ઘોષ તરફથી સંપૂર્ણ સ્ક્રિનપ્લે મળે તેની રાહ દીપિકા જોઈ રહી છે.

ડાયરેક્ટર વિકાસ બહેલે કંગના રણૌતને મુખ્ય ભૂમિકામાં રાખીને ‘ક્વીન’ની સીક્વલ બનાવવા તૈયારી શરૂ કરી છે. વિકાસે સ્ક્રિપ્ટ પસંદ કરી લીધી હોવાનું કહેવાય છે, જોકે, ફિલ્મના નામ અંગે કાયદાકીય સમસ્યા છે. ‘ક્વીન’ના પ્રોડ્યુસર્સ હવે અલગ થઈ ગયા છે અને તેથી તે નામ ફરીથી મળવું સરળ નથી. આ નામ ના મળે તો પણ કંગનાને યથાવત રાખીને વિકાસ બહેલે ફિલ્મ બનાવવાનું વિચાર્યું છે. કંગના સાથે તેમણે સ્ક્રિપ્ટ બાબતે ચર્ચા કરી છે અને કંગનાએ પણ કામ કરવાની તૈયારી દર્શાવી છે.

કોમેડિકિંગ તરીકે ઓળખાતા ડેવિડ ધવનની આઈકોનિક કોમેડી ‘મુજસે શાદી કરોગી’માં સલમાન ખાન, અક્ષયકુમાર, પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા. પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા ‘મુજસે શાદી કરોગી 2’ બનાવવા ઇચ્છે છે. તેઓ સ્ક્રિપ્ટને આખરી ઓપ આપી રહ્યા છે. જોકે જૂના કલાકારોને રીપિટ કરવાના બદલે તેઓ નવી પેઢીના સ્ટાર્સ સાથે ફિલ્મ બનાવવાની ઈચ્છા રાખે છે. આ નવા કલાકારોને સ્ક્રિપ્ટ પસંદ આવશે તો સાજિદ આગળ વધશે પરંતુ જો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો તેઓ સીક્વલ બનાવવાનો વિચાર પડતો મૂકે તેવી સંભાવના છે.

LEAVE A REPLY