ઘણા દિવસોની અટકળો પછી ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ મૂકીને ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ અગાઉ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી ભારતીય ક્રિકેટ માટે આ બીજો આંચકો છે.
14 વર્ષ પહેલાના પોતાના ડેબ્યૂને યાદ કરી વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે “ટેસ્ટ ક્રિકેટમાં મેં પહેલી વાર બેગી બ્લુ પહેર્યું તેને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે આ ફોર્મેટ મને આટલી સફર પર લઈ જશે. તેને મારી કસોટી કરી છે, મારા જીવનને આકાર આપ્યો છે અને મને એવા પાઠ શીખવ્યા છે, જેને હું જીવનભર યાદ કરીશ. વ્હાઇટ બોલની ક્રિકેટમાં કંઈક ઊંડી વ્યક્તિગતતા હોય છે. શાંત પીચ, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પરંતુ તે હંમેશા તમારી સાથે રહે છે.”
વિરાટે જણાવ્યું હતું કે નિવૃત્તિ લેવાનો નિર્ણય સરળ નહોતો, પરંતુ તે મારા માટે ‘યોગ્ય’ લાગ્યો છે. મેં તેને મારી પાસે જે હતું તે બધું આપ્યું છે અને તેને મને આશા કરતાં ઘણું વધારે પાછું આપ્યું છે. હું આ રમત માટે, મેદાનમાં જેમની સાથે રમ્યો છું તેમના માટે અને આ સફરમાં સાથે રહેલા દરેક વ્યક્તિ માટે હૃદયમાં કૃતજ્ઞતા સાથે વિદાય લઈ રહ્યો છું.
કોહલીએ ભારત માટે કુલ ૧૨૩ ટેસ્ટ રમી હતી. તેમાં ૪૬.૮૫ની સરેરાશથી ૯,૨૩૦ રન બનાવ્યાં હતાં. ટેસ્ટ ક્રિકેટમાં તેને ૩૦ સદી અને ૩૧ અડધી સદીનો ફટકારી હતી. સર્વોચ્ચ સ્કોર ૨૫૪નો હતો. ઘરઆંગણે હોય કે વિદેશમાં વિરાટે તેના બેટથી રાજ કર્યું છે. જોકે તેને કદાચ એક અફસોસ હશે કે તે ટેસ્ટમાં ૧૦,૦૦૦ રનનો આંકડો પાર કરી શક્યો નહીં.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં નિવૃતિ ન લેવા માટે સમજાવવાના તમામ પ્રયાસો કર્યાં હતાં, પરંતુ આ પ્રયાસોના ઇચ્છિત પરિણામ મળ્યાં ન હતાં. બીસીસીઆઈએ આ બાબતે કોહલી સાથે વાતચીત કરી હતી અને ભારતના અત્યંત બિનઅનુભવી મિડલ ઓર્ડરમાં તેની હાજરી કેટલી મહત્વપૂર્ણ છે તે દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ આ બેટ્સમેન પોતાનું મન બનાવી ચૂક્યો હતો. કોહલીએ બે અઠવાડિયા પહેલા પસંદગીકારોને ટેસ્ટમાં નિવૃત્તિ લેવાની જાણ કરી હતી. જોકે પસંદગીદારો તેને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમવા માટે મનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
