બોલીવૂડની આદિત્ય ચોપરા દિગ્દર્શિત અને શાહરુખ ખાન-કાજોલ અભિનિત ઐતિહાસિક બ્લોકબસ્ટર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ)ના સંગીતમય કાર્યક્રમનું યુકેમાં મંચન થવાનું છે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે તાજેતરમાં લંડનમાં તેનું રીહર્સલ થઇ રહ્યું હતું ત્યારે શાહરુખ ખાને રીહર્સલ રૂમની અચાનક મુલાકાત લીધી હતી. 1995ની આ રોમેન્ટિક ફિલ્મનું આ નવું સ્ટેજ રૂપાંતરનું યુકેમાં પ્રીમિયર 29મેથી 21 જૂન 2025 દરમિયાન માન્ચેસ્ટર ઓપેરા હાઉસ ખાતે થશે.
કમ ફોલ ઇન લવ-ધ DDLJ મ્યુઝિકલ યુકે અને ભારત સાથે સંકળાયેલું છે અને તેનું દિગ્દર્શન આદિત્ય ચોપરા દ્વારા કરવામાં આવી રહ્યું છે. DDLJ ભારતીય સિનેમામાં સૌથી લાંબા સમયથી દર્શાવાતી ફિલ્મ છે, જે 1995માં રીલીઝ થયા પછી મુંબઈના એક થીયેટરમાં સતત પ્રદર્શિત થઇ રહ્યું છે. આ ફિલ્મ અત્યારે 2025માં તેની ૩૦મી એનિવર્સરીની ઉજવણી કરી રહી છે.
શાહરુખ ખાનની આ મુલાકાત અંગે સીમરનનું પાત્ર ભજવનાર જેના પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘શાહરૂખ ખાન રીહર્સલ રૂમમાં મળવું એ ખૂબ જ સન્માનની બાબત હતી. તેમણે શો માટે પોતાનો સમય આપ્યું અને સમર્થન દર્શાવ્યું તે તેમની ખૂબ જ ઉદારતા દર્શાવે છે. તેમણે અને કાજોલે મૂળ ભજવેલા કેટલાક આઇકોનિક દૃશ્યો તેમને બતાવવા એ એક અદ્ભુત લાગણી હતી અને આ આખું દૃશ્ય મને લાંબા સમય સુધી યાદ રહેશે. હું આવતા અઠવાડિયે માન્ચેસ્ટર જઈને આ કહાની સ્ટેજ પર રજૂ કરવા માટે ઉત્સુક છું!’
જ્યારે રોગની ભૂમિકા ભજવી રહેલા એશ્લે ડેએ જણાવ્યું હતું કે, ‘જ્યારે તેઓ અમારા રીહર્સલ રૂમમાં આવ્યા અને સંપૂર્ણ ટીમને મળ્યા ત્યારે તે એક એવી ક્ષણ હતી જે અમારા સહુમાં શાંતિથી છવાઈ ગઈ હતી. આ સ્થિતિને શબ્દોની જરૂર નહોતી. હું વિચારી પણ કરી શકતો નથી કે લાખો લોકોની મનપસંદ ફિલ્મનો 30 વર્ષ પછીની સંગીતમય સફર તરીકે ફરીથી કલ્પના કરવામાં આવે ત્યારે કેવો અનુભવ થતો હશે. અમે ખાનગીમાં જે શબ્દો કહ્યા તે એક રાજ અને બીજા રોગ છે, પરંતુ હું કહીશ કે તેઓ ખૂબ જ ખુશ હતા. તે એક અવિશ્વસનીય મુલાકાત હતી. હું તેને ક્યારેય ભૂલીશ નહીં.’
