અમેરિકા-ભારત વચ્ચેની વચગાળાની વ્યાપારિક સમજૂતી 8 જુલાઈ પહેલાં થાય તેવી સંભાવના છે. વચગાળાના આ સમજૂતીમાં અમેરિકા દ્વારા ભારતીય ચીજ-વસ્તુઓ પર લદાયેલ વધારાના 26 ટકા રેસિપ્રોકલ ટેરિફમાં સંપૂર્ણ મુક્તિ આપવા માટે ભારતે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. અમેરિકાએ 2 એપ્રિલના રોજ ભારતીય માલ-સામાન પર વધારાની 26 ટકા ટેરિફ લાદી હતી, જોકે પાછળથી તેણે આ ટેરિફ 90 દિવસ માટે એટલે કે 9 જુલાઈ સુધી મુલત્વી રાખી હતી. આમ છતાં અમેરિકા દ્વારા લાગુ કરાયેલી 10 ટકા બેઝલાઈન ટેરિફ યથાવત છે. આ અંગે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતના સંવેદનશીલ સેક્ટર્સને રક્ષણ આપવાના સરકારના પ્રયાસોને પગલે કેટલોક ક્વોટા અથવા મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈસ (એમઆઈપી) લાગુ થઈ શકે છે. આવા ક્ષેત્રોમાં કૃષિ પેદાશો અને ડેરીનો સમાવેશ થાય છે.
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ તાજેતરમાં વોશિંગ્ટનમાં હતાં, અહીં તેમણે આ અંગેની ચર્ચાને આગળ વધારી હતી. અહીં યુએસ ટ્રેડ રીપ્રેન્ઝન્ટેટિવ જેમિસન ગ્રીઅર અને યુએસ કોમર્સ સેક્રેટરી હોવાર્ડ લુટનિકને મળ્યાં પછી તેમણે સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા દ્વિપક્ષીય વ્યાપારિક સમજૂતીના પ્રથમ તબક્કાને ઝડપી બનાવવા મુદ્દે કોમર્સ સેક્રેટરી સાથે ફળદાયી ચર્ચા થઈ છે.

LEAVE A REPLY