યુકેની સંસદે 60 વર્ષમાં મહિલાઓના પ્રજનન અધિકારો માટે પ્રથમ મોટું પગલું ભરીને ગર્ભપાતને ગુનામુક્ત કરવા માટે મતદાન કર્યું હતું. 24 અઠવાડિયાથી વધુ સમય સુધીના ગર્ભપાતને ગુનામુક્ત કરવાની માગણી કરતો આ સુધારો લેબર પાર્ટીનાં સાંસદ ટોનિયા એન્ટોનિયાઝ્ઝી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.
બ્રિટિશ સાંસદોએ આ મુદ્દે મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું, જેમાં ગર્ભપાતને ગુનામુક્ત કરવાના પક્ષમાં 379 સાંસદો હતા, જ્યારે આ બિલની વિરુદ્ધમાં 137 મત પડ્યા હતા.
આ ઐતિહાસિક બિલ પસાર થતાં જે મહિલાઓ 24 અઠવાડિયાની ગર્ભાવસ્થા પછી ગર્ભપાત કરાવશે તો તેમની હવે પોલીસ તપાસ થશે નહીં અથવા તેમને આજીવન જેલની સજા પણ થશે નહીં. જોકે, જે મેડિકલ પ્રોફેશનલ્સ 24 અઠવાડિયાની મર્યાદા પછી મહિલાઓને ગર્ભપાત કરાવવામાં મદદ કરશે તેમની સામે હજુ પણ કાયદાકીય કાર્યવાહી થવાની સંભાવના રહેલી છે. બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરાયેલા આ સુધારામાં, 1861ના કાયદાના કેટલાક ભાગ રદ્ કરવામાં આવશે. આ બિલને મૂળ તો પુરુષ બહુમતી ધરાવતી સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું, જેમાં ગર્ભપાત કરવાની પ્રક્રિયાને ગુનો માનવામાં આવતો હતો.
