LONDON, ENGLAND - MAY 12: Britain's Prime Minister Keir Starmer holds a press conference on immigration at Downing Street on May 12, 2025 in London, England. The prime minister held the press conference head of the government's Immigration White Paper. (Photo by Ian Vogler - WPA Pool/Getty Images)

લેબર પાર્ટીના બળવાખોર સાસંદોના વ્યાપક વિરોધ બાદ પાર્લામેન્ટમાં છેલ્લી ઘડીની છૂટછાટો પછી વેલ્ફેર રીફોર્મ બિલ બહુમતીથી પસાર થયું હતું. 335 સાંસદોએ સરકારના બિલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે વિરોધમાં કુલ 260 સાંસદોએ પોતાનો મત આપ્યો હતો. એનો અર્થ એ થયો કે બિલ હવે સંસદીય ચકાસણીના આગલા તબક્કામાં જશે. તે પહેલા સરકારના વેલ્ફેર બિલમાં સુધારો કરવાના મતદાનમાં પણ બળવાખોરોને નિષ્ફળતા મળી હતી. સુધારો કરવાના પક્ષમાં 149 અને તેના વિરોધમાં 328 મત પડ્યા હતા. આમ સરકારને 179 મતની બહુમતી મળી હતી.

આ મતદાન પહેલા હાઉસ ઓફ કોમન્સમાં વેલ્ફેર બેનીફીટમાં કપાત મૂકવાના સરકારના આયોજિત વેલફેર બિલ સામે ડઝનબંધ લેબર સાંસદોના બળવાનો સરકારને સામનો કરવો પડ્યો હતો. એક તબક્કે સરકારની હાર થાય તેવા સંજોગા જણાયા હતા.

આ પહેલા લેબર સાંસદ રેચલ માસ્કેલે તેમના 39 સાથીદારો દ્વારા સહી કરાયેલ નવો સુધારો રજૂ કર્યો હતો અને બળવો કરવાની ધમકી આપી હતી. ગયા અઠવાડિયે વેલ્ફેરમાં કેટલીક છૂટછાટો આપવામાં આવ્યા પછી આજે મતદાન પહેલા પણ સરકારે લેબર બળવાખોરોને વધુ છૂટ આપી હતી. વડા પ્રધાન કેર સ્ટાર્મર અને તેમના મિનિસ્ટરોએ સાંસદોને નબળા વેલ્ફેર ફેરફારોને સમર્થન આપવા માટે મનાવ્યા હતા.

ડઝનબંધ લેબર સાંસદો ડીસેબીલીટી બેનીફીટ્સને પ્રતિબંધિત કરવાની વડા પ્રધાનની યોજનાઓથી દૂર રહે અથવા વિરૂધ્ધ મતદાન કરે તેવી અપેક્ષા હતી. વડા પ્રધાને દાયકાના અંત સુધીમાં આયોજિત બચતને £5 બિલિયનથી અડધી કરીને £2.5 બિલિયન કરવાની છૂટ આપીને બળવાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કોમન્સમાં ઘણા લેબર સાંસદોએ તેમની સરકારને મંગળવારે મતદાન કરવાને બદલે યુનિવર્સલ ક્રેડિટ અને પર્સનલ ઇન્ડિપેન્ડન્સ પેમેન્ટ બિલ પાછું ખેંચવા વિનંતી કરી હતી.

તા. 1ના રોજ સાંજે 6-42 કલાકે વેલ્ફેર સુધારાઓ પરના મુખ્ય મતદાન પહેલા સરકારે  પર્સનલ ઇન્ડીપેન્ડન્સ પેમેન્ટ્સમાં પ્રસ્તાવિત ફેરફારોનો સમય નવેમ્બર 2026 પછી વિલંબિત થશે, અને તેની સમીક્ષા પ્રકાશિત થશે એમ જણાવ્યું હતું.

ડાઉનીંગ સ્ટ્રીટે કહ્યું હતું કે 2026 માટે યોજનાબદ્ધ PIP કાપ ટિમ્સની સમીક્ષા સુધી મુલતવી રાખવામાં આવ્યો છે, તેથી મોટી નવી છૂટમાં ૧૦ ગટ્સ વેલ્ફેર બિલનો સમાવેશ થાય છે. મિનિસ્ટર સ્ટીફન ટિમ્સે કહ્યું છે કે PIP  મૂલ્યાંકનની તેમની સમીક્ષા ‘પૈસા બચાવવાનો હેતુ ધરાવતી નથી.’

બીબીસી માને છે સરકારે પોતાની હાર ખૂબ જ વાસ્તવિક લાગતા નવીનતમ યુ-ટર્ન લીધો હતો. પરંતુ કેટલાક લેબર સાંસદો એટલા માટે ગુસ્સે છે કેમકે સરકારની આ છૂટછાટો આજે રાત્રે મતદાન કરવાના સમયે અપાઇ છે. કેટલાક લેબર સાંસદોએ વેલ્ફેર બિલ ‘સંપૂર્ણ અવ્યવસ્થિત’ હોવાનું જણાવી તેને પાછું ખેંચવાની માંગ કરી છે.

હાઉસ ઓફ કોમન્સમાં વડા પ્રધાન સ્ટાર્મર છેલ્લે તબક્કે સ્પીકરની ખુરશી પાછળ જઇને સાંસદોને મનાવતા નજરે પડ્યા હતા.

એક ડઝનથી વધુ લેબર સાંસદોએ જાહેરમાં કહ્યું હતું કે તેઓ બિલને સમર્થન આપશે નહીં. પરંતુ પાર્ટીના વ્હિપ્સ માનતા નથી કે બળવાખોરો પાસે બિલને નીચે લાવવા માટે પૂરતી સંખ્યા છે.

સરકારે લીધેલા યુ-ટર્નમાં વડા પ્રધાન ડીસેબીલીટી બેનીફીટના કાપને ફક્ત નવા દાવેદારો સુધી મર્યાદિત કરીને પેકેજને નરમ પાડ્યું છે. વેલ્ફેર બિલમાં રજૂ થનારા સુધારા કેટલાકને રાહત આપે તેમ છે.

બિઝનેસ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે બીબીસીને કહ્યું હતું કે આ ફેરફારો “વર્તમાન સિસ્ટમ કરતાં વધુ સારા” છે. પણ ટોરી પક્ષ બિલ વિરુદ્ધ મતદાન કરી રહ્યો છે.

વડા પ્રધાન સ્ટાર્મરે આજે કેબિનેટ મીટીંગની શરૂઆતમાં પાર્લામેન્ટમાં રજૂ થનારા વેલ્ફેર સુધારાઓ બાબતે જણાવ્યું હતું કે ‘’આ સુધારા રોજગારી મેળવી શકે તેવા લોકોને મદદ કરવા અને કામ ન કરી શકતા લોકો માટે ગૌરવ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે. સરકારનું કાર્ય કામ કરતા લોકોના જીવનને સુધારવા અને તેમને ફક્ત ટકી રહેવાની જ નહીં, પણ સમૃદ્ધ થવાની તક આપવા પર કેન્દ્રિત છે. સરકારે એક ટીમ તરીકે આ સિદ્ધિઓ પર ગર્વ અનુભવવો જોઈએ.’’

વડા પ્રધાને ટિમ્સ સમીક્ષાના સુધારા અને વિગતો રજૂ કરતા કહ્યું હતું કે ‘’આ સકારાત્મક ફેરફારો છે જે ખાતરી કરશે કે આ મહત્વપૂર્ણ લાભ ભવિષ્ય માટે યોગ્ય છે.’’

વર્ક એન્ડ પેન્શન સેક્રેટરીએ ઉમેર્યું હતું કે ‘’વેલ્ફેર સુધારણા સરળ નથી, પરંતુ તે જ રીતે એક પડકાર પણ નથી જેને સરકાર ટાળી શકે.’’

ઘણા બળવાખોરોને લાગ્યું કે વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી લિઝ કેન્ડલના કોમન્સના નિવેદનથી મામલો વધુ ખરાબ થયો છે.

ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન (DWP) દ્વારા કરાયેલા અંદાજ મુજબ, નવીનતમ દરખાસ્તો 2030 સુધીમાં હજુ પણ 150,000 વધારાના લોકોને ગરીબીમાં ધકેલી દેશે જો કે તે મૂળ યોજનાઓમાં કલ્પના કરાયેલ 250,000 કરતા ઓછી હશે.

ટોરી નેતા કેમી બેડેનોકે કહ્યું હતું કે ‘વેલ્ફેર બજેટ નિયંત્રણની બહાર છે. કોવિડ પહેલા હેલ્થ એન્ડ ડીસેબીલીટી બેનીફીટનો ખર્ચ £40 બિલિયન હતો જે 2030 સુધીમાં તે 100 બિલિયન પાઉન્ડ થવાનો અંદાજ છે. લેબર પાર્ટી જે કરી રહી છે તે ગંભીર વેલ્ફેર સુધારા નથી. કેર સ્ટાર્મરે તે પડકારોનો સામનો કર્યો નથી. હકીકતમાં, તેમણે લેબર પાર્ટી જે નાની બચત કરી રહી હતી તેને ઓછી કરી દીધી છે. અમારી પાસે એક સરકાર છે જે શાસન કરવામાં અસમર્થ છે. આ કારણોસર, અમે બિલ વિરુદ્ધ મતદાન કરીશું.’’

સરકારના મૂળ પ્રસ્તાવો હેઠળ, શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લાખો લોકો માટે દૈનિક જીવન નિર્વાહના મૂલ્યાંકનને કડક બનાવવાનો હતો જેઓ પર્સનલ ઇન્ડીપેન્ડન્સ પેમેન્ટ (PIP) નો દાવો કરે છે. પરંતુ 126 લેબર સાંસદોએ તેમને મત આપવાની ધમકી આપ્યા પછી સરકારને દરખાસ્તોને હળવી કરવાની ફરજ પડી હતી.

શ્રીમતી કેન્ડલે વિરોધને ખાળવા સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે નવેમ્બર 2026માં રજૂ થનારા નવા પાત્રતા માપદંડો ફક્ત નવા દાવેદારોને જ લાગુ પડશે, જેઓ પહેલાથી જ PIP મેળવે છે તેમને નહીં. વધુમાં, યુનિવર્સલ ક્રેડિટનો આરોગ્ય સંબંધિત હિસ્સો સ્થિર થવાને બદલે ફુગાવાને અનુરૂપ વધશે. તેણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નવી દરખાસ્તો ‘હાલના કોઈ પણ દાવેદારોને ગરીબીમાં ન ધકેલી દેવામાં આવે તેની ખાતરી કરશે. આ સમીક્ષા 2026 ના ઓટમ  સુધીમાં પૂર્ણ થશે અને પછી અમે શક્ય તેટલી ઝડપથી કોઈપણ ફેરફારો લાગુ કરીશું.’

વેલ્ફેર બિલનો વિરોધ કરનારા લેબર સાંસદો

લેબર સાંસદો બિલ પર હુમલો કરવા માટે કતારમાં ઉભા રહ્યા હતા અને તેમના અગ્રણી બળવાખોર રેચલ માસ્કેલે કહ્યું હતું કે ‘હું બીમાર અને અપંગ લોકોને સ્વતંત્ર રહેવા માટે ટેકો નકારવામાં આવે અને 150,000 લોકોને વધુ ગરીબીમાં ધકેલી દેવામાં આવે તે સહન કરી શકતી નથી. તે અંતરાત્માનો વિષય છે.’

શ્રીમતી માસ્કેલે બિલને નીચે લાવવા માટે રચાયેલ એક નવો ‘તર્કસંગત સુધારો’ રજૂ કર્યો હતો, જેના પર 35 લેબર સાંસદો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ડાબેરી નેતા એન્ડી મેકડોનાલ્ડે શ્રીમતી કેન્ડલને બિલ પાછું ખેંચવા હાકલ કરી કહ્યું હતું કે ‘બે-સ્તરીય સિસ્ટમ ઘણા લોકો માટે મુશ્કેલીઓ પેદા કરશે અને વિભાજન બનાવશે.’

લેબર પાર્ટીના સાસંદ નાદિયા વ્હિટ્ટોમે કહ્યું હતું કે ‘સરકાર દ્વારા મહિનાઓ સુધી અપંગ લોકોની અવગણના કર્યા પછી, અર્થપૂર્ણ સહ-નિર્માણનો એકમાત્ર રસ્તો એ છે કે આ બિલને પાછું ખેંચવું.’ સાથી બેકબેન્ચર ઇયાન બાયર્ને ઉમેર્યું હતું કે ‘આ કહેવાતી છૂટછાટો પૂરતી નથી, અને હું આ ક્રૂર કાપ સામે મતદાન કરીશ.’

 

 

LEAVE A REPLY