
લોર્ડ્સ ખાતે ગુરુવારે એન્ડરસન-તેંડુલકર શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ગુરુવારે પ્રથમ દિવસની રમતને અંતે ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવી 251 રન બનાવ્યા હતાં. પ્રથમ દિવસની રમતને અંતે જો રૂટ 99 અને બેન સ્ટોક્સ 39 રન બનાવીને અણનમ હતાં.
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેન ડકેટ (23 રન) અને જેક ક્રોલી (18 રન)એ સાથે મળીને પહેલી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. નીતિશ કુમાર રેડ્ડીએ આ બંને ઓપનરોને એક જ ઓવરમાં આઉટ કરીને પેવેલિયન ભેગા કર્યા હતા. અહીંથી જો રૂટ અને ઓલી પોપે સદીની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડની કમાન સંભાળી હતી. રૂટે ભારત સામે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને 102 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રૂટ ભારત સામે ટેસ્ટમાં 3000 રન પૂર્ણ કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની પહેલી મેચ લીડ્સમાં રમાઈ હતી, જેમાં યજમાન ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી. બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડને 336 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે આ લોર્ડ્સ ટેસ્ટ બંને ટીમો માટે આ સિરિઝ માટે નિર્ણાયક પુરવાર થશે.
બીજા સત્ર દરમિયાન પંતને આંગળીમાં ઈજા થતાં મેદાન છોડવું પડ્યું હતું.પંતની જગ્યાએ વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલને ટીમમાં સામેલ કરાયો હતો.
ભારતીય ટીમમાં જોશ ટંગના સ્થાને આર્ચરનો સમાવેશ થયો છે, જ્યારે બુમરાહ પી કૃષ્ણના સ્થાને આવ્યો હતો. લાંબા સમયથી ઈજાના કારણે બહાર રહેલા આર્ચરને આખરે ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા મળી ગઈ હતી.
ભારતની ટીમ
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડની ટીમ
ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, શોએબ બશીર.
