એર ઈન્ડિયાના અમદાવાદ એર ક્રેશની તપાસના પ્રાથમિક અહેવાલે વિવાદનો વંટોળ જગાવ્યો છે. કેટલાક નિષ્ણાત વર્તુળોએ પાયલોટ કે કો-પાયલોટના ઈરાદાપૂર્વકના કૃત્ય કે ભારે માનસિક હતાશાના સંજોગોમાં આપઘાતી વલણના પગલે વિમાનના એન્જિનને ઈંધણ પુરૂ પાડતી સ્વિચ બંધ કરાયાને જવાબદાર ઠેરવી છે, તો બીજા અનેક લોકો તે શક્યતાને સદંતર નકારી કાઢતાં કોઈકને બચાવવા માટે હવે હયાત નથી તેવા પાયલોટ તથા કો-પાયલોટને માથે દોષનો ટોપલો ઢોળવાના ઈરાદાપૂર્વકના પ્રયાસો ગણાવી રહ્યા છે.
આ તમામ વાદ-વિવાદ વચ્ચે એતિહાદ એરવેઝે તેના તમામ પાયલોટ્સને બધા જ બોઈંગ 787 વિમાનોની ફયુઅલ સપ્લાય સ્વિચની કામગીરીની ગંભીરતાથી ચકાસણી કરવા આદેશો આપ્યા છે, તો દક્ષિણ કોરીઆની સરકારે પણ દેશની તમામ એરલાઈન્સને બોઈંગ 787 શ્રેણીના વિમાનોની ફ્યુઅલ સ્વિચની તપાસ વિશેષ કાળજીપૂર્વક કરવાની સલાહ આપી છે.
બીજી તરફ, અનેક લોકોની ધારણા મુજબ પ્રાથમિક તપાસના અહેવાલની લગભગ સમાંતર અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) તથા વિમાન ઉત્પાદક કંપની બોઈંગે પણ પોતાના બચાવમાં એક નોટિફિકેશનમાં એવા દાવા કર્યા હતા કે, બોઈંગના તમામ વિમાનોમાં ફયુઅલ સ્વિચ લોક સલામત છે. ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી રોઈટર્સ પાસેની એફએએની નોટીફિકેશનની નકલમાં જણાવ્યા મુજબ બોઈંગના તમામ વિમાનોમાં ફયુઅલ કન્ટ્રોલ સ્વિચ ડીઝાઈન એક સરખી જ હોય છે, તે સલામત નહીં હોવાની વાત જ અસ્થાને છે. તો બોઈંગ કંપનીએ પણ એફએએના અહેવાલનો હવાલો આપીને એવો દાવો કર્યો હતો કે, ફ્યઅલ સ્વિચના મુદ્દે કોઈ કાર્યવાહી કરવાની જરૂરત કોઈ તંત્રએ દર્શાવી નથી.
ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા આ દુર્ઘટનાની પ્રાથમિક તપાસના સુપરત કરાયેલા રીપોર્ટમાં 2018ની FAA એડવાઇઝરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં 787 સહિત અનેક બોઇંગ વિમાનના સંચાલકો-એરલાઇન્સને ફ્યુઅલ કટઓફ સ્વીચની લોકિંગ સુવિધા ચકાસણી કરવાની ભલામણ કરવામાં આવી હતી. મોન્ટ્રીયલ સ્થિત ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એરલાઇન પાયલટ્સ એસોસિએસન (ALPA)માં ભારતીય પાયલટ્સનું પ્રતિનિધિત્વ કરી રહેલા ALPA ઇન્ડિયાએ શનિવારે એક નિવેદનમાં પાયલોટની ભૂલની સંભાવના ફગાવી દઈને ‘ન્યાયપૂર્ણ અને તથ્ય આધારિત તપાસ’ કરવા અનુરોધ કર્યો હતો.
ALPA ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સેમ થોમસે રવિવારે આ અંગે રોઈટર્સને જણાવ્યું હતું કે, ‘હવે આવી દુર્ઘટનાની તપાસમાં ઓબ્ઝર્વર તરીકે પાયલટ્સના એસોસિએશનનો સમાવેશ કરવો જોઇએ.’ ALPA ઇન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પોસ્ટ કરવામાં આવેલા એક પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રાથમિક તપાસના રીપોર્ટમાં FAAની 2018ની એડવાઇઝરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ‘ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ગેટ સંબંધિત છે અને તેમાં સંભવિત ખરાબી હોવાનો સંકેત આપે છે.’ અમેરિકામાં બે સેફ્ટી એક્સપર્ટે શનિવારે જણાવ્યું હતું કે, તેઓ આવી તપાસમાં ALPA ઇન્ડિયાનો સમાવેશ કરવાની માગણીને સ્વીકારે છે. જોકે, તેમણે જણાવ્યું હતું કે, તપાસ રીપોર્ટમાં પાયલટની ભૂલ તરફ આંગળી ચીંધાઇ નથી. પાયલટ અને ALPAના ભૂતપૂર્વ પ્રતિનિધિ જોન કોક્સે જણાવ્યું હતું કે, AAIBનો રીપોર્ટ વાસ્તવિક અને યોગ્ય જણાય છે.
અમદાવાદમાં ગત ૧૨ જૂને સર્જાયેલી ઍર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનની હોનારતની ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ કરેલી તપાસના પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે કે અકસ્માતનું કારણ એન્જિનમાં ફ્યુઅલનો કાપ હતો. બેઉ પાઇલટ્સ વચ્ચે ફ્યુઅલ બંધ થવા વિશે વાતચીત થઈ હતી. AAIBના પ્રાથમિક અહેવાલમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ઍર ઇન્ડિયાનું વિમાન ટેક-ઑફ થયાની માત્ર ૩૨ સેકન્ડ પછી આગનો ગોળો બની ગયું હતું. ટેક-ઑફ થયા પછી તરત જ વિમાનનાં બન્ને એન્જિન બંધ થઈ ગયાં હતાં, જેને કારણે આ અકસ્માત થયો હતો. આમ આ સંભવિત ટેક્નિકલ ખામી હોઈ શકે છે.
કૉકપિટ વૉઇસ રેકૉર્ડરમાં એન્જિન બંધ થવા વિશે પાયલોટ અને કો-પાયલોટ વચ્ચેની વાતચીતનો સમાવેશ થાય છે. પાયલોટ સુમિત સભરવાલે કો-પાયલોટ ક્લાઇવ કુંદરને પૂછ્યું હતું કે તમે એન્જિનનું ફ્યુઅલ કેમ બંધ કર્યું? એના જવાબમાં કુંદરે કહ્યું હતું કે મેં એવું નથી કર્યું.
ગત સપ્તાહે જાહેર થયેલા આ રીપોર્ટ મુજબ ટેકઓફની ત્રણ જ સેકન્ડમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ થઈ જતા બંને એન્જિનને ઈંધણ મળવાનું બંધ થઈ ગયું હતું. આ સંદર્ભમાં મોટાભાગના નિષ્ણાતોનું કહેવું છે કે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અજાણતા બંધ થાય નહીં. આ સ્વીચ પાયલટે ચાલુ અથવા બંધ કરવી પડતી હોય છે, જેને પગલે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ પાયલટોએ બંધ કરી કે કેમ તે અંગે સવાલો થવા લાગ્યા છે. ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ વિમાનના એન્જિનને ઈંધણનો પુરવઠો સુનિશ્ચિત કરે છે. સામાન્ય રીતે પાયલોટ જ તેને ઓન-ઓફ કરતા હોય છે. એવિએશન નિષ્ણાતો મુજબ પાયલોટ ક્યારેય પણ અજાણતા આ સ્વીચ બંધ કરી શકે નહીં. ઉડ્ડયન સમયે આ સ્વીચ બંધ થઈ જાય તો વિમાનને ઈંધણ મળતું નથી અને એન્જિન તુરંત કામ કરવાનું બંધ કરી દે છે.
એન્જિનમાં આગ લાગે તો તેવા સંજોગોમાં ઈંધણ રોકવા માટે આ સ્વીચ કટઓફ મોડમાં લાવવામાં આવે છે. એર ઈન્ડિયાના બંને પાયલોટ અનુભવી હોવાથી માનવીય ભૂલ હોવાની સંભાવના ઓછી છે. એએઆઈબી હવે આ સ્વીચમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે કેમ તેની તપાસ કરી રહી છે.
