
વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે બળવાખોર લેબર બેકબેન્ચર સાંસદો રેચલ માસ્કેલ, નીલ ડંકન-જોર્ડન, બ્રાયન લીશમેન અને ક્રિસ હિંચલિફને બુધવારે ચેતવણી આપી વારંવાર શિસ્ત ભંગ કરવા બદલ તેમની પાસેથી વ્હીપ હટાવી લીધો હતો. જ્યારે ત્રણ લેબર સાંસદો રોઝેના એલીન-ખાન, બેલ રિબેરો-એડી અને મોહમ્મદ યાસીન પાસેથી ગવર્મેન્ટ ટ્રેડ એન્વોયના પદ છીનવી લેવામાં આવ્યા છે.
વિવાદાસ્પદ વેલ્ફેર કટ અંગે યુ-ટર્ન લેવાની ફરજ પાડ્યા બાદ ડાઉનિંગ સ્ટ્રીટે લેબર બેકબેન્ચ સામે આ આશ્ચર્યજનક પગલું લીધું હતું, જેનાથી સંસદીય પક્ષમાં રોષ ફેલાયો હતો. સસ્પેન્ડ કરાયેલા ચારેય સાંસદો અનેક સરકારી નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે. માસ્કેલ અને ડંકન-જોર્ડને પહેલા વિન્ટર ફ્યુઅલ એલાઉન્સ અને વેલ્ફેર કટનો વિરોધ કરી ચૂક્યા છે. જ્યારે હિંચલિફે સરકારના મુખ્ય પ્લાનિંગ બિલ બાબતે બળવો કર્યો હતો અને તેની એન્વાયર્નમેન્ટ પરની અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
લેબર બેકબેન્ચરોએ આ નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરી કહ્યું હતું કે નંબર 10 એ તેના વેલ્ફેર બિલ સામેના બળવાથી “કંશું શીખ્યું નથી”. તે બિલનો 47 લેબર સાંસદોએ પાર્લામેન્ટમાં વિરોધ કરી વ્હીપનો ભંગ કર્યો હતો.
ચારેય સસ્પેન્ડેડ સાંસદોએ નિવેદનો જારી કરીને કહ્યું હતું કે તેઓ પાર્ટીમાં રહેવા માંગે છે અને જેરેમી કોર્બિન અને ઝારા સુલ્તાના દ્વારા રચાયેલી અલગ પાર્ટી જેવા હરીફ જૂથોમાં જવા માટે વાટાઘાટો કરી રહ્યા છે.
જેરેમી કોર્બિન પક્ષના વડા હતા ત્યારે શેડો કેબિનેટ મિનિસ્ટર રહેલા માસ્કેલે કહ્યું હતું કે તેમને બેનિફીટ યોજનાઓ પર મતદારો માટે ઉભા રહેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
હિંચલિફે કહ્યું કે “મને લેબર સાંસદ તરીકે ચૂંટાવા બદલ ગર્વ છે અને મને આશા છે કે સમય જતાં હું લેબર બેન્ચ પર પાછા આવીશ. આ દરમિયાન હું મારા મતદારોની જરૂરિયાતો માટે દરરોજ લડતો રહીશ.”
લીશમેને કહ્યું હતું કે “લેબર સાંસદ રહેવા અને ઘણા મતદારો જે સકારાત્મક પરિવર્તન ઇચ્છે છે તે પહોંચાડવા માંગું છું.”
ડંકન-જોર્ડને કહ્યું હતું કે “મારા મતદારો માટે સતત વિવિધ મુદ્દાઓ પર વાત કરી છે, પરંતુ હું અપંગ લોકોને ગરીબ બનાવવાનું સમર્થન કરી શકતો નથી.”
આ અગાઉ ગત સમરમાં બે બાળકોના બેનીફીટની મર્યાદા દૂર કરવા માટે સ્કોટિશ નેશનલ પાર્ટી સાથે મતદાન કરનારા સાત સાંસદો જોન મેકડોનેલ, રિચાર્ડ બર્ગન, ઇયાન બાયર્ન, રેબેકા લોંગ-બેઈલી, ઇમરાન હુસૈન, અપ્સાના બેગમ અને ઝારા સુલ્તાનાને વ્હિપમાંથી દૂર કરાયા હતા.
