ઇસ્ટ લંડનના હૃદયમાં આવેલી યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન UEL ઇન્ડિયન સોસાયટી એક શક્તિશાળી સાંસ્કૃતિક શક્તિ બની ગઈ છે, જે 400થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને એક કરે છે અને ભારતીય પરંપરાઓની સમૃદ્ધિની ઉજવણી કરે છે. ખાસ હકિકત એ છે કે તેની સ્થાપના 2017માં ફક્ત 20 સભ્યો સાથે ગૌરવશાળી ગુજરાતી દર્શન ડાભી દ્વારા કરવામાં આવી હતી. તેમનું વિઝન ભારતીય વિદ્યાર્થીઓ માટે “ઘરથી દૂર ઘર” બનાવવાનું હતું.
મૂળ ગુજરાતના દર્શન વિદ્યાર્થી તરીકે યુકે આવ્યા હતા અને ઝડપથી મજબૂત સહાયક પ્રણાલીની જરૂરિયાતને સમજ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ તહેવારો ઉજવી શકે, મિત્રો બનાવી શકે અને ઘર જેવું અનુભવી શકે તે માટે તેમણે UEL ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી હતી. UEL ઇન્ડિયન સોસાયટી દિવાળી અને હોળીની ઉજવણીથી લઇને ગરબા નાઇટ અને સાંસ્કૃતિક વર્કશોપ્સ યોજે છે. UEL ઇન્ડિયન સોસાયટી યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડનમાં સૌથી મોટી અને સૌથી સક્રિય વિદ્યાર્થી સોસાયટી બની છે.
તેની વર્તમાન સમિતિના નેતૃત્વ હેઠળ, સોસાયટીએ તાજેતરમાં એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માન – NISAU એચિવર્સ એવોર્ડ 2025 જીત્યો છે, જે વિદ્યાર્થી જીવન અને સાંસ્કૃતિક યોગદાન પર તેની અસરને માન્યતા આપે છે. સોસાયટીના સૌથી ચર્ચિત કાર્યક્રમોમાંનો એક બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન સાથે મિલન હતું જેમાં 400થી વધુ લોકો હાજર રહ્યા હતા.
