પાર-તાપી-નર્મદા લિંકિંગ પ્રોજેક્ટની વિરુદ્ધમાં 14 ઓગસ્ટે આદિવાસીઓએ વલસાડ જિલ્લાના ધરમપુરમાં મહારેલી કાઢી હતી. કોંગ્રેસે આયોજિત કરેલી આદિવાસીઓની આ મહાસભામાં મોટાપાયે આદિવાસીઓ એકઠા થયા હતા અને પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, ધવલ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં. અને સરકાર વિરૂદ્ધ મોરચો માંડ્યો હતો.
અગાઉ બુધવારે ગુજરાત સરકારે જણાવ્યું હતું કે તેને 2022માં પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટના અમલીકરણને મુલતવી રાખ્યું છે, અને ત્યારથી તેના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.આદિવાસી નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે નવેસરથી આંદોલન શરૂ કરવાની ધમકી આપ્યાના થોડા દિવસો બાદ સરકારે આ સ્પષ્ટતા કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા એક વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ અથવા ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે આ પ્રોજેક્ટ નવેસરથી વિચારણા હેઠળ છે.
આદિવાસીઓના વિસ્થાપનના ડરથી થયેલા વિરોધ પછી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મે 2022માં આ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી.બુધવારે કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા, આરોગ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પોતાના વલણ પર અડગ છે.આ પ્રોજેક્ટ કેન્દ્રમાં કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ દ્વારા તેને પુનર્જીવિત કરવામાં આવ્યો હતો. 2017માં સંબંધિત મંત્રાલય દ્વારા એક DPR તૈયાર કરવામાં આવ્યો હતો અને સબમિટ કરવામાં આવ્યો હતો. DPR ક્યારેય સંસદ કે વિધાનસભામાં રજૂ કરવામાં આવતા નથી
પાર-તાપી-નર્મદા જોડાણ પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ ઘાટના વોટર સરપ્લસ વિસ્તારોમાંથી પાણીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખાધવાળા પ્રદેશોમાં લઈ જવાની યોજના છે. આ હેઠળ હેઠળ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાત જળાશયોનું નિર્માણ કરવાની યોજના છે.
