August 15, 2025. REUTERS/Altaf Hussain

ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલકિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા રાષ્ટ્રજોગ પ્રવચનમાં દેશને વધુ આત્મનિર્ભર બનાવવાની નાગરિકોને અપીલ કરી હતી. તેમણે ખાતરોથી લઈને જેટ એન્જિન અને EV બેટરી સુધી બધું ભારતમાં ઉત્પાદન કરવાની અપીલ કરી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વચ્ચે મોદીએ ખેડૂતોનું રક્ષણ કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

અમેરિકા સાથે વેપારમાં અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન મોદીએ ઓક્ટબરમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ઘટાડો કરીને લોકોને રાહત આપવાની અને રોજગારી અંગેની એક મોટી સ્કીમની પણ જાહેરાત કરી હતી. આ બંને મોટી જાહેરાતથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. જોકે લગભગ બે કલાક ચાલેલા તેમના ભાષણમાં મોદીએ ટેરિફ કે અમેરિકાનો ઉલ્લેખ કર્યો ન હતો.

મોદીએ જણાવ્યું હતું કે ખેડૂતો, માછીમારો, પશુપાલકો અમારી ટોચની પ્રાથમિકતા છે.મોદી તેમના હિતોને જોખમમાં મૂકતી કોઈપણ નીતિ સામે દિવાલની જેમ ઊભા રહેશે. ભારત આપણા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની વાત આવે ત્યારે ક્યારેય સમાધાન કરશે નહીં. સમયની માંગ એ છે કે એક મજબૂત ભારત બનાવવા માટે સંકલ્પ લેવામાં આવે… હું ઈચ્છું છું કે આપણા વેપારીઓ, દુકાનદારો ‘સ્વદેશી’ ઉત્પાદનોના બોર્ડ લગાવે.

તેમણે કહ્યું કે ભારતમાં બનેલી સેમિકન્ડક્ટર ચિપ્સ આ વર્ષના અંત સુધીમાં બજારમાં આવશે અને ભારત 1,200થી વધુ સ્થળોએ સંશોધન ચાલી રહ્યું છે અને મહત્વપૂર્ણ ખનિજોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે પ્રયાસ કરી રહ્યુ છે. દેશના યુવાનો માટે મોટા સમાચાર છે. આજે 15 ઓગસ્ટે, હું મારા દેશના યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજના શરૂ કરી રહ્યો છું. આજથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના લાગુ કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનારા છોકરાઓ અને છોકરીઓને સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. આનાથી 3.5 કરોડ યુવાનોને રોજગાર મળશે.

જીએસટીમાં ઘટાડા કરાવીને સ્થાનિક ઇકોનોમીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વડાપ્રધાને મોટી જાહેરાત કરી હતી કે દિવાળીથી અમે જીએસટી રિફોર્મ લઈને આવી રહ્યા છીએ. જે હેઠળ હાલના જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ ટેક્સ સ્લેબને પણ તર્કસંગત બનાવવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશ સુદર્શન ચક્ર મિશન શરૂ કરવા જઈ રહ્યો છે. આ સુદર્શન ચક્ર એક શક્તિશાળી શસ્ત્ર પ્રણાલી હશે, જે ફક્ત દુશ્મનના હુમલાને જ નહીં, પણ દુશ્મન પર અનેક ગણો વળતો પ્રહાર પણ કરશે. અમે આગામી દસ વર્ષમાં સુદર્શન ચક્ર મિશનને પ્રખરતાથી આગળ લઈ જઈશું. આ હેઠળ, 2035 સુધીમાં દેશના તમામ મહત્ત્વપૂર્ણ સ્થળોને આ રાષ્ટ્રીય સુરક્ષા કવચથી આવરી લેવામાં આવશે. આ સુરક્ષા કવચનો વિસ્તાર થતો રહેશે. દેશના દરેક નાગરિકે સુરક્ષિત અનુભવ કરી શકશે. આ માટે, હું 2035 સુધીમાં આ રાષ્ટ્રીય સુરક્ષા કવચનો વિસ્તાર કરવા માંગુ છું, તેથી શ્રી કૃષ્ણ પાસેથી પ્રેરણા લઈને, અમે સુદર્શન ચક્રનો માર્ગ પસંદ કર્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છીએ. 10 નવા પરમાણુ રિએક્ટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આપણે પરમાણુ ઊર્જાની ક્ષમતામાં 10 ગણો વધારો કરીશું. આ સેક્ટરમાં ખાનગી ક્ષેત્ર માટે પણ રસ્તા ખુલી ગયા છે.

LEAVE A REPLY