અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં મહત્વની બેઠક યોજાઈ હતી. અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પણ બંને નેતાઓ વચ્ચે થયેલી ચર્ચામાં યુદ્ધવિરામ અંગે કોઈ ઉકેલ આવી શક્યો નથી. વિશ્વની નજર આ બેઠક પર હતી. આ બેઠક પછી પણ યુદ્ધવિરામ અંગે કોઈ સમજૂતી થઇ નથી. નિષ્ણાતોનું માનવું છે કે આ બેઠક નિષ્ફળ રહી હતી. બંને નેતાઓનાં નિવેદનો તેમની વ્યૂહરચનાનો ભાગ હતાં. પુતિન શરૂઆતથી જ હાવી રહ્યા હતા અને સંકેત આપ્યો કે ચર્ચા તેમની શરતો મુજબ ચાલી રહી હતી. ટ્રંપે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમારી બેઠક અત્યંત ઉપયોગી રહી અને ઘણા મુદ્દાઓ પર અમારી વચ્ચે સહમતી બની છે, આગળ પણ વાત ચાલુ રહેશે. આ મીટિંગ પછી પુતિને કહ્યું હતું કે અમારી ચર્ચા રચનાત્મક અને પરસ્પર માન-સન્માનના વાતાવરણમાં થઈ હતી. ટ્રંપે કહ્યું હતું કે તેમને રશિયન તેલ ખરીદતા ચીન જેવા દેશો પર તાત્કાલિક ટેરિફ લગાવવાની જરૂર નથી, પરંતુ બે-ત્રણ સપ્તાહમાં એવું કરવું પડી શકે છે. એ સાથે તેમણે ધમકી આપી હતી કે જો યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા કોઈ પગલું નહીં ભરાય, તો તેઓ રશિયા પર પ્રતિબંધો મૂકશે અને તે દેશો પર પણ વધારાના પ્રતિબંધો લાગુ કરશે, જે રશિયાથી તેલ ખરીદે છે.
