(ANI Photo/Amit Sharma)

કાશ્મીરના પહલગામ ખાતે ત્રાસવાદી હુમલા પછી ફરીથી ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધના કારણે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મનું ભવિષ્ય જોખમાયું હતું. ત્યાર પછી વાણી કપૂરે આ ફિલ્મની બધી જ સોશિયલ મીડિયા પોસ્ટ પણ પોતાના અકાઉન્ટ પરથી ડિલીટ કરી દીધી હતી.

ત્યારે હવે ઇન્ડિયન સ્ટોરીઝ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ‘અબીર ગુલાલ’ 29 ઓગસ્ટે ભારત સિવાય વિશ્વના અનેક દેશોમાં રિલીઝ થશે. આ એક હળવી રોમેન્ટિક ફિલ્મ છે, જેમાં પ્રેમના જાદુની વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં વાણી કપૂર ‘ગુલાલ’નો રોલ કરે છે, જે એક પોતાની મસ્તીમાં જીવવા ઇચ્છતી યુવતી છે, તે અરેન્જ મેરેજથી બચવા માટે ઘરેથી ભાગી જાય છે અને લંડન પહોંચે છે.

જ્યાં તેની મુલાકાત અબીર સિંહ સાથે થાય છે, જેનો ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે અને હવે તે લંડનમાં રેસ્ટોરાં ચલાવે છે. અંધાધૂંધી, ડાન્સ ક્લાસ, અણધારી અડધી રાતની ઘટનાઓ વચ્ચે તેઓ એકબીજાને મળે છે. તેમની વચ્ચે કંઇક શરૂ થાય છે, જેના માટે બેમાંથી કોઈ તૈયાર નથી. પ્રેમમાં તેઓ બંને એકબીજાને ભૂતકાળમાંથી બહાર આવવામાં, માફ કરવામાં અને આગળ વધવામાં મદદ કરે છે. આ ફિલ્મ વિવેક અગ્રવાલે પ્રોડ્યુસ કરી છે અને આરતી બાગડીનું દિગ્દર્શન છે. અમિત ત્રિવેદીએ આ ફિલ્મનું સંગીત આપ્યું છે. આ ફિલ્મનું મ્યુઝિક લોંચ 19 એપ્રિલે દુબઈમાં થયું હતું. જેમાં ફવાદ અને વાણીએ એકબીજાના ભરપૂર વખાણ કર્યા હતા.

LEAVE A REPLY