રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અબજોપતિ ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ADA ગ્રુપના વડા અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીને શુક્રવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. કોકિલાબેન છેલ્લાં ઘણાં વર્ષોથી મુંબઈના એન્ટિલિયામાં તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી અને તેના પરિવાર સાથે રહે છે.
પ્રાથમિક તપાસમાં ડોકટરોએ જણાવ્યું હતું કે 91 વર્ષીય કોકિલાબેનને થોડી નબળાઈ લાગતી હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. દાખલ થતાં જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી અને ઘણા જરૂરી રિપોર્ટ્સ કરવામાં આવ્યાં હતાં. રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં હતાં.
પુત્રો મુકેશ અને અનિલ અંબાણી સાથે 91 વર્ષીય કોકિલાબેનને તાત્કાલિક તબીબી સારવાવ માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. કોકિલાબેન અંબાણી અને ધીરુભાઈ અંબાણીને ચાર બાળકો છે, જેમાં મુકેશ, અનિલ, નીના કોઠારી અને દિપ્તી સાલગાંવકરનો સમાવેશ થાય છે. તેમણે સ્વતંત્રતા પહેલાથી આધુનિક સમય સુધીની ભારતની સફર જોઈ છે. તેમનો જન્મ ૧૯૩૪માં ગુજરાતના જામનગરમાં થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રિફાઇનરી સ્થાપી ત્યારે જામનગર અંબાણી પરિવાર માટે મહત્વપૂર્ણ બન્યું હતું અને અનંત અંબાણીના પ્રેવેડિંગ સેરેમની પણ જામનગરમાં યોજાઈ હતી.
કોકિલાબેન અંબાણી દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ પરિવારના વરિષ્ઠ સભ્ય છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 1.57 કરોડથી વધુ શેર ધરાવે છે, જેની કિંમત આશરે 18,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે
