
યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે રશિયા પર દબાણ વધારવાના સંયુક્ત પ્રયાસના ભાગ રૂપે ભારત અને ચીન પર 100 ટકા સુધીના ટેરિફ લાદવાની યુરોપને અમેરિકાના પ્રેસિડન્ટે સૂચના આપી હોવાના અહેવાલ વચ્ચે બુધવાર, 10 સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલોની સાથે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર અંગે ચર્ચાવિચારણા કરી હતી અને તેને સમર્થન આપવા બદલ ઇટાલીનો આભાર માન્યો હતો. મોદીએ મેલોની સાથે યુક્રેનમાં સંઘર્ષનો અંત લાવવાના માર્ગો તેમજ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEEC)ના અમલીકરણ અંગે પણ ચર્ચા કરી હતી.
મોદીએ એક્સ પર જણાવ્યું હતું કે “વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ઉત્તમ વાતચીત થઈ. અમે ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે અમારી સંયુક્ત પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી, અને યુક્રેનમાં સંઘર્ષનો વહેલાસર અંત લાવવામાં સહિયારા હિતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ભારત અને યુરોપિયન યુનિયન આ વર્ષના અંત સુધીમાં મુક્ત વેપાર કરાર (FTA) કરવાની વાટાઘાટો કરી રહ્યાં છે. બંને પક્ષો હાલમાં નવી દિલ્હીમાં 13મા રાઉન્ડની વાટાઘાટો કરી રહ્યા છે.
ઇટાલીના વડા પ્રધાનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમના ફોન કોલમાં, મેલોની અને મોદીએ “દ્વિપક્ષીય સંબંધોની શ્રેષ્ઠ સ્થિતિ”નું સ્વાગત કર્યું હતું તથા વેપાર, રોકાણ અને કનેક્ટિવિટી પર સહયોગને વધુ ગાઢ બનાવવા માટે સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.
