માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે. શુભ મૂહર્તમાં ઘટસ્થાપન પછી રાત્રિથી સળંગ ૯ દિવસ રાસ-ગરબાની રમઝટ જામશે.
આ વર્ષે નવને બદલે દસ નોરતા છે. ત્રીજા નોરતે વૃદ્ધિ તિથી હોવાથી 24 અને 25 બંને તારીખે ત્રીજું નોરતું છે. નવરાત્રીના પહેલા દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે, પહેલા દિવસે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવતી હોય છે.
આ વર્ષે નવરાત્રિનું સમાપન 2 ઓક્ટોબર, ગુરુવાર, આસો વદ 10ના રોજ થશે. દેવી તંત્ર અને કાલી વિલાસ તંત્ર ગ્રંથ મુજબ, શ્રવણ નક્ષત્રમાં ઘટઉત્થાપન કરવું હિતાવહ છે.નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે.
વરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે.વરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું.વરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માન્ડાની પૂજા કરવાનો મહિમા છે.
રાજકોટમાં જાણીતી ગરબીઓ જેવી કે જંકશન પ્લોટની ગરબી, કરણપરા ચોકની ગરબી, ધારેશ્વર મહાદેવ મંદિરમાં રમાતી ગરબી, સદર, પંચનાથ મંદિર ચોક, માંઈ મંદિર, જાગનાથ સહિતના અનેક વિસ્તારોમાં નાની-મોટી બાળાઓ રાસ-ગરબા સાથે માં અંબાની ભકિત કરશે. ગરબીમાં ટિપ્પણી રાસ, દાંડીયા રાસ, દીવડા રાસ, તાલી રાસ, સળગતી ઈંઢોણી રાસ, અઘોર નગારા વાગે, માં અંબાની ચુંદડી, તેમજ વિશિષ્ટ રાસ-ગરબા રજૂ થશે. ગરબી જોવા રાત્રે લોકોનો પ્રવાહ જોવા મળશે. પંચનાથ ગરબીમાં આજે પણ પ્રાચીન ઢંગથી રાસ-ગરબા રજૂ થાય છે જે નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.
ગુજરાતમાં મેઘરાજાએ ખેલૈયાઓ અને ગરબા આયોજકોના ધબકારા વધારી દીધા હતાં. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સોમવારે નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે, જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
