લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જાની માગણી સાથેના આંદોલને બુધવાર, 24 સપ્ટેમ્બરે હિંસક વળાંક લીધો હતો. આંદોલનકારીઓએ લેહમાં ભાજપ કાર્યાલય અને અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી (ANI Video Grab)

લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જાની માગણી સાથેના આંદોલને બુધવાર, 24 સપ્ટેમ્બરે હિંસક વળાંક લીધો હતો. આંદોલનકારીઓએ લેહમાં ભાજપ કાર્યાલય અને અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી અને અને સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. આંદોલન હિંસક બનતા આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુકે તેમની 15 દિવસની ભૂખ હડતાળ પાછી ખેંચી લીધી હતી. લદ્દાખની રાજધાનીમાં સંપૂર્ણ બંધ વચ્ચે આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના જોવા મળ્યાં હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે BNSS ની કલમ 163 હેઠળ પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવા માટે પ્રતિબંધિત આદેશો લાદ્યા હતા.

હડતાળના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થયેલા તેમના સમર્થકો વાંગચુકે જણાવ્યું હતું કે હું લદ્દાખના યુવાનોને હિંસા તાત્કાલિક બંધ કરવા વિનંતી કરું છું, કારણ કે તે ફક્ત આપણા હેતુને નુકસાન પહોંચાડે છે અને સ્થિતિને વધુ ખરાબ કરે છે. અમે લદ્દાખ અને દેશમાં અસ્થિરતા ઇચ્છતા નથી.

પોલીસે દેખાવકારોને વિખેરી નાંખવા માટે ટીયરગેસના શેલ છોડ્યાં હતાં. અથડામણો વધુ તીવ્ર બનતાં વાંચુકે પોતાના X હેન્ડલ પર એક વીડિયો સંદેશ પણ મૂક્યો હતો, જેમાં યુવાનોને શાંતિ જાળવવા અને હિંસા બંધ કરવાની અપીલ કરાઈ હતી.

૧૦ સપ્ટેમ્બરથી ૩૫ દિવસની ભૂખ હડતાળ પર રહેલા ૧૫ લોકોમાંથી બે લોકોની હાલત મંગળવારે સાંજે બગડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ લદ્દાખ એપેક્સ બોડી (LAB)ની યુવા પાંખે વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતું.
આંદોલનકારીઓ લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જા ઉપરાંત બંધારણના છઠ્ઠા શિડ્યુલ્ડ મુજબના હકો માગી રહ્યાં છે.

બંધારણની છઠ્ઠી અનુસૂચિ ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ અને આસામ એમ ચાર ઉત્તરપૂર્વીય રાજ્યોની આદિવાસી વસ્તી માટે બનાવાયેલ છે, તેમાં સ્વાયત્ત કાઉન્સિલો મારફત વહીવટીની વિશેષ જોગવાઈઓ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરોધના આહ્વાનને પ્રતિસાદ આપતા લેહ શહેર બંધ રહ્યું હતું અને NDS સ્મારક મેદાન પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને બાદમાં છઠ્ઠી અનુસૂચિ અને રાજ્યના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા શહેરના રસ્તાઓ પર કૂચ કાઢી હતી. કેટલાક યુવાનોએ ભાજપ અને હિલ કાઉન્સિલના મુખ્યાલય પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. યુવાનોના જૂથોએ એક સુરક્ષા વાહન અને કેટલાક અન્ય વાહનોને આગ ચાંપી દીધી હતી અને ભાજપ કાર્યાલયને પણ ટાર્ગેટ બનાવ્યું હતું. તેમણે આ સંકુલ અને એક ઇમારતમાં ફર્નિચર અને કાગળો સળગાવી દીધાં હતાં. ઘટનાસ્થળે વધુ સુરક્ષા દળો મોકલવામાં આવ્યાં હતાં અને ઘણા કલાકોની તીવ્ર અથડામણ બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી.

LEAVE A REPLY