
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ H-1B વિઝા પરની નવી અરજીઓ પર 1 લાખ ડોલરની ફી વસુલ કરવા અને અન્ય વિઝા અને પરમેનન્ટ રેસિડેન્સી તથા સીટીઝનશીપ માટેના નિયમોમાં ફેરફાર કરવા આક્રમક અભિગમ અપનાવી રહ્યા છે ત્યારે વડા પ્રધાન કેર સ્ટાર્મરે આ તકનો લાભ લઇને યુકેના ગ્લોબલ ટેલેન્ટ ટાસ્કફોર્સને વિશ્વના ટોચના સાયન્સ, રીસર્ચ, ટેકનોલોજી, એકેડેમિક્સ અને ડિજિટલ નિષ્ણાતોને યુકેમાં આકર્ષવા માટે વિઝા અરજી ફી ઘટાડવા સહિત તેમને માટે યુકેમાં સ્થળાંતર કરવાનું સરળ બનાવવાની યોજનાઓની તપાસ કરવા આદેશ આપ્યો છે.
વડા પ્રધાન કેર સ્ટાર્મર અને ચાન્સેલર રેચલ રીવ્સને રિપોર્ટ કરતા અને આ વર્ષની શરૂઆતમાં શરૂ કરાયેલા £54-મિલિયનના ફંડ દ્વારા સમર્થિત, ગ્લોબલ ટેલેન્ટ ટાસ્કફોર્સ ભારત સહિત વિશ્વભરના આઇટી એક્સપર્ટ્સ, એકેડેમિક્સ, રીસર્ચર્સ, ઉદ્યોગસાહસિકો અને ઇનોવેટર્સ સહિત ઘણા લોકોને આકર્ષિત કરીને આર્થિક વૃદ્ધિને વેગ આપવાના માર્ગો શોધી રહ્યું છે. આ ઉપરાંત સાયન્સ, આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ, અને મેડિકલ ક્ષેત્રોમાં પ્રાથમિકતા ધરાવતા અરજદારો માટે ઝડપી માર્ગોની તપાસ પણ થઇ રહી છે.
સ્ટાર્મરે જાહેરમાં જણાવ્યું છે કે જો બ્રિટને ઇનોવેશન્સ અને ઉચ્ચ શિક્ષણમાં સ્પર્ધાત્મક રહેવું હશે તો “વિશ્વના શ્રેષ્ઠ મગજો માટે ખુલ્લું રહેવું જોઈશે.”
ગ્લોબલ ટેલેન્ટ ટાસ્કફોર્સ આગામી મહિનાઓમાં આ બાબતે પોતાની ભલામણો પ્રકાશિત કરે તેવી અપેક્ષા છે. સરકારના વ્યાપક ઇમિગ્રેશન સુધારણા પેકેજમાં વિઝા ફીમાં પણ ઘટાડાની જાહેરાત કરવામાં આવે તેમ લાગે છે.
દેશનો આર્થિક વિકાસ વધારવા માટેના પગલાંના પેકેજ સાથે ટોચની પ્રતિભાઓને યુકેમાં કેવી રીતે આકર્ષિત કરવી તે અંગેની ચર્ચાઓમાં યુકેના ટોચના ટ્રેઝરી અધિકારીઓ પણ સામેલ હોવાનું માનવામાં આવે છે.
આ ગ્લોબલ ટેલેન્ટ ટાસ્કફોર્સનું નેતૃત્વ સ્ટાર્મરના બિઝનેસ સલાહકાર વરુણ ચંદ્રા અને સાયન્સ મિનિસ્ટર પેટ્રિક વેલન્સ કરી રહ્યા છે. તેમાં વરિષ્ઠ અધિકારીઓ, એકેડેમિક્સ અને બિઝનેસ લીડર્સ પણ જોડાયા છે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કુશળ લોકોને યુકેમાં આકર્ષવા માટે તજજ્ઞ છે.
ટ્રમ્પની $1 લાખની H-1B વિઝા ફી યુએસની વૃદ્ધિને નુકસાન પહોંચાડી શકે તેવી અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે. બીજી તરફ વ્હાઇટ હાઉસ તરફથી ટેક કંપનીઓ અને યુએસ યુનિવર્સિટીઓને સંદેશ આપવામાં આવ્યો છે કે તેમણે ઉચ્ચ હોદ્દાઓ પર યુએસના નાગરિકોને રોજગારી આપવી જોઈએ.
અમેરિકાની સરખામણીમાં યુકેની વિઝા ફી £1,000થી ઓછી છે, પરંતુ મોટી કંપનીઓએ ટ્રેઝરી મિનિસ્ટર્સ સમક્ષ ફરિયાદ કરી છે કે વિઝા મેળવવા માટેનું જટિલ પેપર વર્ક અને લાંબી પ્રોસેસ યુકેમાં સ્થળાંતર કરવા માંગતા સૌથી લાયક નિષ્ણાતો માટે અવરોધક બની રહે છે.
2020માં રજૂ કરવામાં આવેલા બ્રિટનના ગ્લોબલ ટેલેન્ટ વિઝા માટે દરેક વ્યક્તિને £766નો ખર્ચ થાય છે અને જીવનસાથી અને બાળકોએ પણ ફી ચૂકવવી પડે છે. આ ઉપરાંત, તેમણે દરેકે હેલ્થકેર ખર્ચને આવરી લેવા માટે £1,035ની ફી ચૂકવવી પડે છે. સરકાર આ ખર્ચ શૂન્ય સુધીનો કરવાનો વિચાર કરી રહી છે. આ વિઝા કેટેગરીમાં સાયન્સ, એન્જિનિયરિંગ, હ્યુમાનીટી, મેડીસીન, ડિજિટલ ટેકનોલોજી, આર્ટ્સ અને કલ્ચરના પ્રતિષ્ઠિત લોકોનો સમાવેશ થાય છે.
આ યોજના દ્વારા વિઝા અરજીઓને ઝડપી બનાવવા અને વહીવટી ચાર્જ ઘટાડવાના પ્રસ્તાવો હેઠળ ટોચના યુએસ વૈજ્ઞાનિકોને યુકેમાં આકર્ષિત કરી શકાય છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્વદેશી પ્રતિભાને જાળવી રાખવાના પ્રયાસોને પડકારશે.
આ ઉપરાંત સરકાર યુકેમાં રહેતા નોન-ડોમીસીઇલ રહેવાસીઓની વૈશ્વિક સંપત્તિ પરની ઇનહેરીટન્સ ટેક્સની રેચલ રીવ્સની યોજનાઓને પણ પ્રોત્સાહનો આપવાના વિશાળ પેકેજના ભાગ રૂપે સુધારી અથવા રદ કરી શકે છે. ચાન્સેલરે તાજેતરમાં નોન ડોમ પર કર લાદવાના નિર્ણયોને કારણે કેટલાક શ્રીમંત વ્યક્તિઓએ બ્રિટન છોડવાનો નિર્ણય લીધો હતો.
આ પગલું વિશ્વની ટોચની યુનિવર્સિટીઓના એવોર્ડ વિજેતાઓ અને ગ્રેજ્યુએટ્સને લક્ષ્ય બનાવશે. આ દરખાસ્ત યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તમામ H-1B વિઝા અરજીઓ પર $100,000 ફી લાદવાના નવા આદેશ સાથે સુસંગત છે, જે ભારતીય ટેક નિષ્ણાંતો દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો કાર્યક્રમ છે.
યુકેના સાયન્સ, ઇનોવેશન અને ટેકનોલોજી વિભાગે જણાવ્યું હતું કે આ ભંડોળ “વિશ્વ કક્ષાના સંશોધકો અને તેમની ટીમોને” આકર્ષવા માટે પાંચ વર્ષમાં સ્થળાંતર અને સંશોધન ખર્ચને આવરી લેશે. જૂન 2023ના રોજ પૂરા થયેલા વર્ષમાં, કુલ 3,901 લોકોને બ્રિટનના ગ્લોબલ ટેલેન્ટ વિઝા આપવામાં અવ્યા હતા.
હોમ ઑફિસે જણાવ્યું હતું કે ‘’આ કેટેગરીમાં સફળ થયેલા વિઝા અરજદારો તેમના ક્ષેત્રના લીડર્સ હતા, અથવા તેમના ક્ષેત્રમાં નેતા બનવાની ક્ષમતા ધરાવતા હતા. અમારા ગ્લોબલ ટેલેન્ટ રૂટ્સ ઉભરતી પ્રતિભા અને ઇનોવેશન્સ માટે અગ્રણી એવા આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે યુકેની સ્થિતિ જાળવી રાખવા માટે, ખાસ કરીને સાયન્સ, રીસર્ચ, અને ટેકનોલોજીમાં ઉચ્ચત્તમ અને કુશળ પ્રતિભાઓને આકર્ષે છે અને જાળવી રાખે છે.”
દેશના ટેકનોલોજી, ફાઇનાન્સ અને શિક્ષણ ક્ષેત્રના પ્રોફેશનલ્સ અને બિઝનેસ લીડર્સે સરકારના આ સુધારાના સંકેતોનું સ્વાગત કરતાં નોંધ્યું છે કે બ્રિટન ડિજિટલ એન્જિનિયરિંગ, ડેટા સાયન્સ અને એડવાન્સ્ડ રિસર્ચમાં કૌશલ્યની અછતનો સામનો કરી રહ્યું છે. તો યુનિવર્સિટીઓનો દાવો છે કે વિદેશી એકેડેમિક્સ માટેનો સરળ પ્રવેશ બ્રિટનની રીસર્ટ માટેની વૈશ્વક અગ્રણી તરીકેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવશે. આ ઉપરાંત ઇનોવેશન્સ ક્ષેત્રે યુકેના સોફ્ટ-પાવર એડવાન્ટેજમાં પણ વધારો થશે. નિષ્ણાંતો સૂચવે છે કે જો બ્રિટન તેની વિઝા પ્રક્રિયા સરળ બનાવશે તો તે ભારત, ચીન અને અન્ય ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી વધુ પ્રતિભાઓને આકર્ષી શકે છે.
