ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર યુકે દ્વારા ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈના સહયોગથી બ્રિટીશ પાર્લામેન્ટ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન પ્રસંગે વિશેષ રીતે તૈયાર કરાયેલ વિશેષાંકનું પાર્લામેન્ટમાં તા. 17ના રોજ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર યુકે દ્વારા આયોજિત નવરાત્રિ પર્વનો પણ શુભારંભ કરાયો હતો.
આ પ્રસંગે હેરોના એમપી પદ્મ શ્રી બોબ બ્લેકમેન CBE, લોર્ડ રેમી રેન્જર, ત્રિવેણી સંગમ, પ્રયાગરાજના સ્વામી અભિરામચાર્ય જી મહારાજ, અમદાવાદના શ્રી ચૈતન્ય શંભુ મહારાજ સહિત રાજકીય નેતાઓ, આધ્યાત્મિક – રાજકીય અગ્રણીઓ અને લંડન, બર્મિંગહામ અને યુકેના અન્ય શહેરોના ડાયસ્પોરા પ્રતિનિધિઓ જોડાયા હતા.
એમપી બોબ બ્લેકમેને વડા પ્રધાન મોદીની “ઉલ્લેખનીય નેતા” તરીકે પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ‘’શ્રી મોદીએ ભારતનું વૈશ્વિક સ્થાન બદલી નાખ્યું છે. તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ગુજરાતનું સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન કરી સુકા વિસ્તારમાંથી સમૃધ્ધ કર્યું હતું. આજે વડા પ્રધાન મોદીનું લક્ષ્ય ગરીબોનો ઉધ્ધાર કરવાનું, લોકોને રોડ રસ્તા, વિજળી પૂરી પાડવાનું તથા ભ્રષ્ટાચાર નાબુદ કરવાનું છે. યુકેના વડા પ્રધાન સ્ટાર્મર ભારત જવાના છે અને સરકારે જે એફટીએ કરાર કર્યો છે તેનો પાયો કોન્ઝર્વેટિવ સરકારે નાંખ્યો હતો અને ડીફેન્સ તથા અન્ય સોદા કર્યા છે.’’
તમણે નવરાત્રીની ઉજવણી માટે શુભકામનાઓ પાઠવી સૌને આગામી તહેવારો વખતે પોતાના ઝરઝવેરાત સાચવવાની અને જરૂરી કાળજી રાખવા અપીલ કરી હતી.
લોર્ડ રેમી રેન્જરે કહ્યું હતું કે ‘’ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત આગળ વધી રહ્યું છે અને અદભૂત વિકાસ કર્યો છે. તેમણે દેશ જ નહિં દેશની સુરક્ષાને પણ મજબૂત કરી છે. ભારતમાં માત્ર મંદિરો જ નથી બંધાયા પણ, કોલેજો, હોસ્પિટલો, ઉદ્યોગોનો વ્યાપ પણ વધ્યો છે. ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈ છેલ્લા 58 વર્ષથી યુકે, યુરોપ, ભારત અને અફ્રિકા સહિત સમગ્ર દુનિયાના સમાચાર પીરસી રહ્યાં છે. આ પેપર એટલા મોંઘા નથી પરંતુ તે વાંચવાથી તમે કરંટ એફેર્સથી વાકેફ રહેશો. તેઓ પોતાના એવોર્ડ સમારોહ દ્વારા આપણા ટેલેન્ટને પારખીને એવોર્ડ આપે છે. તેઓ દેશને બતાવે છે કે આપણું યોગદાન આ દેશમાં શું છે.’’
સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર યુકેના સ્થાપક, પ. પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ જણાવ્યું હતું કે ‘’મોદીજી રોજના 18 કલાક કામ કરે છે તેના કારણે આપણા પાસપોર્ટની વેલ્યુ વધી છે. આપણા એમપી બોબ બ્લેકમેન હિન્દુ સમાજ માટે દિવસ રાત જીવના જોખમે કાર્ય કરે છે. આજે આપણે સૌ પ્રાર્થના કરીએ કે વિશ્વ સનાતન ઘર્મ અને ભારત દેશ માટે મોદીજીને દિર્ઘાયુષ્ય આપે. હુ આયોધ્યા ખાતે રામ મંદિરના શુભારંભમાં ગયો હતો અને ત્યારે જોયું હતું કે તેઓ એક નેતા સાથે આધ્યાત્મિક નેતા પણ છે. યુકેમાં SKLPC પછી સિધ્ધાશ્રમ દ્વારા બીજી મોટી નવરાત્રી છેલ્લા 19 વર્ષથી કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી પાર્લામેન્ટમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.’’
આ કાર્યક્રમમાં ગરવી ગુજરાતના એસોસિયેટ એડિટર કમલ રાવે સૌને ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈ વાંચવા અનુરોધ કર્યો હતો અને સમુદાયના નેતાઓ અને યુવા કલાકારોનું સન્માન કર્યું હતું. ફાઇનાન્સ મેનેજર કમલ દેસાઈ પણ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્વામી અભિરામાચાર્યજી મહારાજ, શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, ડૉ. ઉદય પ્રતાપ સિંહ અને સમજીભાઈ પટેલ સહિત પ્રતિષ્ઠિત યોગદાન આપનાર 12 અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
એશિયન મીડિયા ગ્રુપના હેડ ઓફ સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ મહેશ લિલોરિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સિદ્ધાશ્રમના મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. જ્યારે ઉપસ્થિતોએ મોદીજીનો માસ્ક પહેર્યો ત્યારે જાણે કે ગ્રાન્ડ મીટીંગ હોલ મોદીમય બની ગયો હતો.
