ફાઇલ ફોટો (PTI Photo)

યુકેની સ્ટેટ વિઝીટ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બકિંગહામશાયરમાં વડા પ્રધાનના ગ્રામ્ય નિવાસસ્થાન ચેકર્સ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને ઉકેલવા માટે પોતે હસ્તક્ષેપ કર્યો હોવાનો ગુરુવારે દાવો કર્યો હતો.

કેર સ્ટાર્મર સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, ટ્રમ્પે કહ્યું હતું કે તેમની “સૌથી મોટી નિરાશા” એ હતી કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષ પર “તેમને નિરાશ કર્યા” હતા પરંતુ ભારત અને પાકિસ્તાન વેપારના સાધનનો ઉપયોગ કરીને તેઓ સફળ થયા હતા.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની “ખૂબ નજીક” હોવા છતાં ભારત પર લાદવામાં આવેલા ટેરિફનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ફરીથી કહ્યું હતુ કે “તમે [ભારત અને પાકિસ્તાન] અમારી સાથે વેપાર કરવા માંગો છો, તો તમારે સાથે રહેવું પડશે.”

ભારતે કોઈપણ તૃતીય પક્ષના હસ્તક્ષેપનો સતત ઇનકાર કર્યો છે, અને જાળવી રાખ્યું છે કે પાકિસ્તાન સાથે દુશ્મનાવટ બંધ કરવા અંગેની સમજૂતી બંને સૈન્યના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સીધી વાટાઘાટો પછી થઈ હતી.

ભારત પર લાદવામાં આવેલા વેપાર ટેરિફ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે “હું ભારતના વડા પ્રધાનની ખૂબ નજીક છું અમને મેં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે વાત કરી હતી. અમારા સંબંધો ખૂબ સારા છે.”

ઇઝરાયલ-હમાસ સંઘર્ષ પર પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવાની યુકેની યોજના વિશે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે 7 ઓક્ટોબર, 2023 ના હુમલાના તમામ બંધકોને મુક્ત કરવામાં આવે. મારો વડા પ્રધાન સ્ટાર્મર સાથે આ બાબતે મતભેદ છે.”

LEAVE A REPLY