ન્યૂ જર્સીના મોર્ગનવિલે સ્થિત શ્રી કૃષ્ણ મંદિર – શ્રી ગુરુવાયુરપ્પન મંદિર, 31 વુલીટાઇન રોડ, NJ 07751 ખાતે 11 અને 12 ઓક્ટોબરના રોજ ભક્તો અને વ્યાપક ભારતીય-અમેરિકન સમુદાયની ઉપસ્થિતીમાં શ્રી કાશી વિશ્વનાથજીના સન્માનમાં એક ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ કાશી વિશ્વનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
કાશીની મુલાકાત લેવાનું લાંબા સમયથી સ્વપ્ન જોનારા ભક્તો માટે, આ દુર્લભ કાર્યક્રમ યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતની પવિત્ર પરંપરાઓનો અનુભવ કરવાની અસાધારણ તક આપશે.
5,000 વર્ષોમાં પ્રથમ વખત કાશી વિશ્વનાથ મહાદેવના મુખ્ય પૂજારી શ્રી શ્રીકાંત મિશ્રાજી, કાશી ધામના સહાયક પૂજારીઓની ટીમ સાથે, સદીઓ જૂના રિવાજોનું કડક પાલન કરીને ધાર્મિક વિધિઓ કરવા માટે યુ.એસ. આવનાર છે. ભક્તો અભિષેક, મંગળા આરતી, ભોગ આરતી, સંધ્યા આરતી, શ્રૃંગાર આરતી અને શયના આરતી જેવા પરંપરાગત સમારોહના સાક્ષી બનશે. દરરોજ સાંજે પવિત્ર ગંગા નદીમાંથી લાવવામાં આવેલા પાણીથી ભરેલા પ્રતિબિંબિત કુંડ સામે ગૌરવપૂર્ણ ગંગા આરતી કરવામાં આવશે.
વારાણસીમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર, ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક, સનાતન ધર્મના આધ્યાત્મિક હૃદય તરીકે પૂજનીય છે. તેના પવિત્ર વાતાવરણને યુએસની ઘરતી પર ઉતારવાનો અને ભક્તોને યુ.એસ. છોડ્યા વિના ભગવાન શિવના આશીર્વાદ અને કાશીની પવિત્રતાનો અનુભવ કરાવવાનો આ મહોત્સવનો ઉદ્દેશ્ય છે.
કાર્યક્રમના આયોજકો આ કાર્યક્રમને ભક્તિ, એકતા અને સાંસ્કૃતિક સાતત્યનું એક ગહન પ્રતીક ગણાવી જીવનમાં એકવાર આવનાર આ આધ્યાત્મિક ઉજવણીમાં ભાગ લેવા માટે સૌને આમંત્રણ આપ્યું છે. સંપર્ક +1 732-972-5552 – krishnatemple.org
