
સરકારે જાહેર સેવાઓની ઍક્સેસને સરળ બનાવતી વખતે ગેરકાયદેસર કામકાજ પર કડક કાર્યવાહી કરવા માટે રચાયેલ નેશનવાઇડ ડિજિટલ આઈડી યોજનાનું અનાવરણ કર્યું છે. જે અંતર્ગત યુકેના તમામ નાગરિકો અને કાનૂની રહેવાસીઓને મફત ડીજીટલ કાર્ડ અપાશે. આ કાર્ડ સંસદના અંત સુધીમાં રાઈટ ટુ વર્ક ચેક માટે ફરજિયાત બનશે, નાની બોટ ક્રોસિંગ પાછળના સૌથી મોટા “પુલ ફેક્ટર” પૈકી એકને દૂર કરશે અને કાનૂની દરજ્જા વિના કામ શોધવાની સંભાવના પર રોક લગાવશે.
ડિજિટલ આઈડી સ્માર્ટફોન પર સાચવી શકાશે અને તે NHS એપની જેમ ડ્રાઇવિંગ લાઇસન્સ, ચાઇલ્ડ કેર અને વેલ્ફેર જેવી સેવાઓ માટે અરજીઓ કરવામાં મદદરૂપ થશે. લોકોને દરરોજ આઈડી કાર્ડ પોતાની સાથે રાખવાની જરૂર રહેશે નહીં, પરંતુ કામ માટે યોગ્યતા સાબિત કરવા માટે તે ફરજિયાત રહેશે.
વડા પ્રધાન કેર સ્ટાર્મરે કહ્યું હતું કે “ડિજિટલ આઈડી આ દેશમાં ગેરકાયદેસર રીતે કામ કરવાનું મુશ્કેલ બનાવશે, જ્યારે નાગરિકોને પેપર વર્ક વિના સેવાઓના ઝડપી ઍક્સેસ જેવા અસંખ્ય લાભો પ્રદાન કરશે.”
આ યોજના ઓસ્ટ્રેલિયા, એસ્ટોનિયા, ડેનમાર્ક અને ભારતના મોડેલો પર બનેલી છે, જ્યાં ડિજિટલ ઓળખે છેતરપિંડી ઘટાડી છે અને સરકારી સહાયની ઍક્સેસને સરળ બનાવી છે.
સમર્થકો દલીલ કરે છે કે આ યોજના સરહદોને મજબૂત બનાવશે અને કામદારોનું રક્ષણ કરશે, પરંતુ નાગરિક સ્વતંત્રતા જૂથોએ સંભવિત ગોપનીયતા જોખમો વિશે ચેતવણી આપી છે. સુરક્ષા અને સમાવેશને ધ્યાનમાં રાખીને, 2026 માં તેનો અમલ શરૂ થવાની અપેક્ષા છે.
