
અબુ ધાબી ખાતેના BAPS હિન્દુ મંદિરના ‘ધ ફેરી ટેલ’ ઇમર્સિવ શોને વૈશ્વિક ઓડિઓવિઝ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતા ‘2025 MONDO-DR એવોર્ડ’ એનાયત કરાયો હતો. ૧૧ જૂન ૨૦૨૫ના રોજ ફ્લોરિડાના ઓલે રેડ ઓર્લાન્ડો ખાતે આયોજિત સમારંભમાં ‘હાઉસ ઑફ વર્શિપ’ કેટેગરીમાં આ એવોર્ડ અપાયો હતો. ઓડિયોવિઝ્યુઅલ (AV) વિશ્વમાં ઓસ્કાર ગણાતો આ એવોર્ડ મનોરંજન અને સ્થાપત્ય સ્થળોમાં ટેકનોલોજી ઇન્સ્ટોલેશન પર ધ્યાન કેન્દ્રિત કરતા અગ્રણી આંતરરાષ્ટ્રીય મેગેઝિન MONDO-DR દ્વારા એનાયત કરવામાં આવે છે.
આ બહુમાન BAPS હિન્દુ મંદિરને માત્ર આધ્યાત્મિક અને સ્થાપત્ય અજાયબી તરીકે જ નહીં, પરંતુ પવિત્ર સ્થળોએ ઇમર્સિવ AV ડિઝાઇન માટે તકનીકી બેન્ચમાર્ક તરીકે પણ મજબૂત બનાવે છે.
આ વર્ષના MONDO-DR એવોર્ડ્સમાં હાઉસ ઓફ વર્શીપ કેટેગરીમાં વિશ્વભરમાંથી રેકોર્ડ સંખ્યામાં એન્ટ્રીઓ આવી હતી, જેમાં ઉત્તમ AV ડિઝાઇનવાળા પ્રખ્યાત કેથેડ્રલ, મસ્જિદો અને સિનાગોગનો સમાવેશ થતો હતો. અદ્યતન ઓડિઓ અને ઇમર્સિવ લાઇટિંગ સિસ્ટમ્સ દર્શાવતા ડઝનબંધ હાઇ-પ્રોફાઇલ એન્ટ્રી વચ્ચે તીવ્ર સ્પર્ધા હતી. આ સ્પર્ધા વચ્ચે BAPS હિન્દુ મંદિર ખાતેના ‘ધ ફેરી ટેલ’ ઇમર્સિવ શોને વિજેતા જાહેર કરાયો હતો, જે આ શોની અજોડ એકીકરણ ગુણવત્તા, તકનીકી ચોકસાઈ અને સાંસ્કૃતિક સંવેદનશીલતાનો સ્પષ્ટ પુરાવો છે.
ઊંડા આધ્યાત્મિક, છતાં ટેકનોલોજીથી સમૃદ્ધ વાતાવરણ બનાવવા માટે તૈયાર કરાયેલા આ શો મંદિર સંકુલના સૌંદર્ય, ધ્વનિ અને ઔપચારિક માળખાનું સુમેળ સંકલન કરે છે. પુરસ્કાર વિજેતા ઓડિઓવિઝ્યુઅલ સિસ્ટમ AV સલાહકારો, લાઇટિંગ ડિઝાઇનર્સ, ધ્વનિ ઇજનેરો અને AV ઇન્ટિગેટર્સના વૈશ્વિક સહયોગ દ્વારા વિકસાવવામાં આવી છે. આ શોના શ્રોતાઓ તમામ મહત્વપૂર્ણ ક્ષણોના સાક્ષી બને છે અને તેનો અનુભવ કરે છે. આ ક્ષણોમાં શારજાહના રણમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રથમ પ્રાર્થના (૧૯૯૭), પ્રેસિડેન્શિયલ પેલેસમાં યુએઈના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ઉદારતા (૨૦૧૮) અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આધ્યાત્મિક રીતે ભરપૂર ઉદ્ઘાટન (૨૦૨૪) સમારંભનો સમાવેશ થાય છે.
પૂજ્ય સ્વામી સ્વામી બ્રહ્મવિહારીદાસે જણાવ્યું હતું કે “આ પુરસ્કાર પ્રાપ્ત કરીને અમે સન્માનિત અને ગર્વ અનુભવીએ છીએ. આ ક્યારેય ફક્ત શો, સાઉન્ડ સિસ્ટમ અથવા લાઇટિંગ ઇન્સ્ટોલ કરવા વિશે નહોતું. આ એક એવું વાતાવરણ ડિઝાઇન કરવા વિશે હતું જ્યાં દરેક હૃદય પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, સાર્વત્રિક આધ્યાત્મિકતા સાથે ઊંડો જોડાણ અનુભવી શકે.”
