ભારતની મુલાકાતે આવેલા અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીની નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને સામેલ ન કરવાના મુદ્દે વિવાદ ઊભો થયો હતો (PTI Photo/Arun Sharma)

ભારતની મુલાકાતે આવેલા અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીની નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને સામેલ ન કરવાના મુદ્દે વિવાદ ઊભો થયો હતો. વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વ્યાપક વિચારવિમર્શ કર્યા પછી મુત્તાકીએ નવી દિલ્હીમાં અફઘાન દુતાવાસ ખાતે આ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં કોઇ મહિલા પત્રકારોને આમંત્રણ અપાયું ન હોવાનું માનવામાં આવે છે.

પત્રકારોને મીડિયા વાર્તાલાપમાં આમંત્રણ આપવાનો નિર્ણય વિદેશ મંત્રી સાથે આવેલા તાલિબાન અધિકારીઓએ લીધો હોવાનું માનવામાં આવે છે. આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે ભારતીય પક્ષે અફઘાન પક્ષને સૂચન કર્યું હતું કે મહિલા પત્રકારોને આ કાર્યક્રમ માટેના આમંત્રિતોમાં સામેલ કરવા જોઈએ.

જોકે આ મામલે વિપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતાં અને વડાપ્રધાનનો જવાબ માંગ્યો હતો. વિપક્ષે મહિલા પત્રકારોની ગેરહાજરીને અસ્વીકાર્ય અને મહિલાઓનું અપમાન ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.

સોશિયલ મીડિયા X પરની એક પોસ્ટમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદીજી જ્યારે તમે મહિલા પત્રકારોને જાહેર મંચ પરથી બાકાત રાખવાની મંજૂરી આપો છો, ત્યારે તમે ભારતની દરેક મહિલાને કહી રહ્યા છો કે તમે તમારા પગ પર ઊભા ન રહી શકો એટલો નબળા છો. આપણા દેશમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન ભાગીદારીનો અધિકાર છે. આવા ભેદભાવ સામે તમારું મૌન નારીશક્તિ અંગેના તમારા નારાઓ પોકળતા છતી કરે છે.

LEAVE A REPLY