લંડનના નોર્થોલ્ટમાં આવેલ શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર (SKLPC) ખાતે તા. 22 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન યુરોપના સૌથી મોટા નવરાત્રી ઉત્સવની ઉજવણીનું ગર્વભેર આયોજન કરવામાં આવ્યું હતું. સતત 45માં વર્ષે યોજાઇ રહેલો આ તહેવાર ફરી એકવાર એકતા, ભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવનો જીવંત પુરાવો સાબિત થયો હતો. આ પર્વે યુકે અને વિદેશમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતા.

નવરાત્રિના અંતિમ દિવસે સમુદાયના સૌએ શક્તિ, એકતા અને ભક્તિથી આશીર્વાદ આપવા બદલ માતાજીનો આભાર માન્યો હતો અને આ ભાવનાત્મક ક્ષણે ઉપસ્થિત સૌએ પ્રાર્થના કરી હતી અને સમુદાયની યુવતીઓએ માતાજીને ભાવનાત્મક પરંપરામાં વિદાય આપી હતી. હૃદયસ્પર્શી પ્રાર્થના અને વિદાય સાથે નવ દિવસના ઉત્સવનું ગૌરવ અને ભક્તિ સાથે સમાપન થયું હતું. જેનાથી ઉપસ્થિત દરેકને ઉત્સાહ અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધિ મળી હતી.

આ પર્વે સમુદાયના સૌ કોઇએ દશેરાના દિવસે ભગવાન રામે યુધ્ધમાં રાવણને હરાવ્યા તે પ્રસંગની દુષ્ટતા પર સારપના વિજય તરીકે ઉજવણી કરી હતી. નવરાત્રી ઉત્સવની ઉજવણી વિકેન્ડમાં ખાસ રાસ ફ્યુઝન નાઇટ સાથે ચાલુ રહી હતી જેમાં પરંપરાને આધુનિક શૈલી સાથે મિશ્રિત કરવામાં આવી હતી.

આ ઉત્સવ 6 ઓક્ટોબરના રોજ શરદ પૂનમ સાથે સમાપ્ત થયો હતો. પાકના લણણીની ઋતુના અંતને ચિહ્નિત કરતી પૂર્ણિમાની રાત્રી દૈવી રાસ લીલા સાથે સંકળાયેલી છે. આ પ્રસંગે ભક્તોએ સફેદ પોશાક પહેરી રાસ રમી એકતા અને ભક્તિનું એક આકર્ષક વાતાવરણ સર્જ્યું હતું.

નવ દિવસ દરમિયાન સૌ ભક્તોએ આરતી, સામૂહિક પ્રાર્થના અને પ્રસાદનો લાભ લીઘો હતો. દાતાઓએ ઉદારતાથી પ્રસાદ અને ફળ આપ્યા હતા.

સતત 14મા વર્ષે યોજાયેલા નવરાત્રી ફેમિલી વર્કશોપમાં ફરી એકવાર બાળકો, માતાપિતા અને દાદા-દાદીને નવરાત્રીનો ઊંડો અર્થ શીખવવામાં આવ્યો હતો. જ્યારે દર મહિને યોજાતા માસિક વડીલોના મેળાવડા – વડિલ સંમેલનમાં પ્રથમ વખત જીવંત સંગીત, લોક નૃત્ય, સ્પર્ધાઓ અને મફત ભોજનમા સૌ વડીલો જોડાયા હતા.

ઉત્સવ દરમિયાન દરરોજ લગભગ 2,000 લોકો અને વિકેન્ડમાં 4,000થી વધુ લોકો ઉત્સવમાં જોડાયા હતા અને લોકોનો એટલો ઉત્સાહ હતો કે માર્કી સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ હતી. સ્થળ પર પાર્કિંગ અને અન્ય સેવા-મદદ માટે 300થી વધુ સ્વયંસેવકોના અથાક પ્રયાસો સાથે, કાર્યક્રમનું સંચાલન સરળ રીતે કરવામાં આવ્યું હતું. જેમના સમર્પણની કમીટી દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેના કારણે ઉપસ્થિત સૌ ભારતની યાદ અપાવે તેવા વાતાવરણમાં નવરાત્રી ઉત્સવની ઉજવણીનો આનંદ માણી શક્યા હતા.

સ્વયંસેવકોએ નવરાત્રી પહેલાના અઠવાડિયામાં જ કામચલાઉ માર્કીને એક જીવંત ઉત્સવના સ્થળ તરીકે પરિવર્તિત કરી દીધી હતી. તો કાર્યક્રમના સંચાલનમાં મદદ કરવા લોકો વિવિધ ટીમોમાં જોડાયા હતા અને નિયમીત હાજરી આપી હતી.

આ ઉજવણી દરમિયાન ઇલિંગના મેયર કાઉન્સિલર એન્થોની કેલી; હિલિંગ્ડનના મેયર કાઉન્સિલર ફિલિપ કોર્થોર્ન; અને બ્રેન્ટના મેયર કાઉન્સિલર રાયન હેક, હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલ, વિવિધ મંદિરો, સાંસ્કૃતિક સંગઠનો, પ્રાયોજકો અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ સહિત ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમને સંસ્થાના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે SKLPC UK ના પ્રમુખ માવજી ધનજી જાદવા વેકરિયા તથા જનરલ સેક્રેટરી રવિ વરસાણીએ નવરાત્રીના કન્વીનરો – રક્ષા રમણીક જીના, ચંદ્રકાંત વરસાણી, સચિન મેઘાણી, સલાહકારો, ટીમ લીડ્સ, તથા અથાક મહેનત કરનાર ઇન-હાઉસ કિચન ટીમ, ટ્રેઝરી, કાર પાર્ક અને ગેટ કંટ્રોલ સ્વયંસેવકો તથા ઉજવણીને ટકાવી રાખનારા પ્રાયોજકો અને દાતાઓનો ખાસ આભાર માન્યો હતો.

LEAVE A REPLY